ઓપરેશન સિંદૂરમાં નાશ પામેલા આતંકી સ્થળો પાકિસ્તાન ફરી તૈયાર કરી રહ્યું છે

- પાક. સૈન્ય વડાના આદેશથી આતંકી સ્થળોનું બાંધકામ શરૂ કરાયું
- બહાવલપુરમાં 14 કરોડ, મુરીદકેમાં 15 કરોડથી વડામથકો તૈયાર થશે, મુઝફ્ફરાબાદમાં કેમ્પો માટે 11 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયા
ઇસ્લામાબાદ : ઓપરેશન સિંદૂર દરમિયાન પીઓકે અને પાકિસ્તાનમાં ભારતીય સૈન્યએ અનેક આતંકી સ્થળો અને મથકોનો નાશ કર્યો હતો. જોકે હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારતે જે પણ આતંકી મથકો કે લોન્ચપેડનો નાશ કર્યો હતો તેને પાકિસ્તાન ફરી તૈયાર કરી રહ્યું છે. જે માટે કરોડો રૂપિયાનું ફન્ડિંગ પણ કરાયું છે. કેટલાક આતંકી સ્થળો તૈયાર કરી લેવાયા છે. પાક. સરકાર, આઇએસઆઇ અને સૈન્ય દ્વારા ફન્ડ પુરુ પડાઇ રહ્યું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ પીઓકે અને તેની આસપાસના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન આતંકીઓના લોન્ચપેડ ફરી ઉભા કરી રહ્યું છે. આ લોન્ચપેડ તૈયાર કરવા માટે પાકિસ્તાન સરકારે કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે. જેના પરથી સાબિત થાય છે કે પાકિસ્તાન આતંકવાદને ફરી સમર્થન આપવા લાગ્યું છે. પોતાને ફીલ્ડ માર્શન જાહેર કરી ચુકેલા પાકિસ્તાની સૈન્યના વડા આસિમ મુનીર ખુદ આ આતંકી સ્થળો ફરી તૈયાર કરવામાં રસ દાખવી રહ્યા છે, તેમના કહેવાથી પાકિસ્તાન સરકાર દ્વારા ફન્ડ પણ જાહેર કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલો છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકેમાં જૈશ-એ-મોહમ્મદના વડામથકોનો નાશ કરાયો હતો, હવે એવા અહેવાલો છે કે પાક. સૈન્ય અને સરકારે બહાવલપુરમાં ૧૪ કરોડ રૂપિયાનું ફન્ડિંગ કર્યું છે. અહીના મરકઝ સુભાન અલ્લાહ પરિસરનો નાશ કરાયો હતો, જેમાં આતંકી મસૂદના પરિવારના ૧૩ લોકો માર્યા ગયા હતા. જ્યારે અન્ય એક વડા મથક મુરીદકેમાં પણ આતંકી મથક ઉભુ કરવા ૧૫ કરોડ રૂપિયા અપાયા છે. મુરીદકેને લશ્કર-એ-તૈયબાનું વડુ મથક માનવામાં આવે છે. જ્યારે મુઝફ્ફરાબાદમાં આતંકીઓના ટ્રેનિંગ કેમ્પોનો નાશ કરાયો હતો, જેને ફરી તૈયાર કરવા માટે પાક. સરકાર દ્વારા ૧૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ તમામ આતંકી સ્થળોના સમારકામ કે બાંધકામ માટે કોન્ટ્રાક્ટરોને ૩૦ જૂન સુધીનો સમય અપાયો હતો.









