- ભારતને કોઈ પાસેથી શિખામણ લેવાની જરૂર નથી : ત્યાગી
- માનવ-અધિકાર અંગેની યુએનની પરિષદમાં ભારતીય પ્રતિનિધિએ સ્વિત્ઝર્લૅન્ડને પણ પરખાવ્યું : તમે તમારા દેશની પરિસ્થિતિ સંભાળો
જીનીવા : જીનીવામાં મળી રહેલી યુએનના માનવ અધિકાર પંચની બેઠકમાં ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ દરેક અંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર જૂઠાણાં ફેલાવવાનો પાકિસ્તાન પર આક્ષેપ મૂકતાં કહ્યું હતું કે, પાકિસ્તાનને ત્રાસવાદનું વ્યસન થઈ ગયું છે. આ સાથે ત્યાગીએ પહેલગાંવ હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તે હુમલો જ મારા વિધાનોના સમર્થન માટે પૂરતો છે. અમારે આવો ત્રાસવાદ ફેલાવનારા પાસેથી કે કોઈની પણ પાસેથી શીખામણ લેવાની જરૂર નથી. ખાસ કરીને લઘુમતીને રક્ષવામાં તદ્દન નિષ્ફળ ગયેલાં રાષ્ટ્ર પાસેથી તો નહીં જ.
આ સાથે પોતાની તટસ્થતા માટે દુનિયાભરમાં પોતાની ગુલબાંગો પુકારતા સ્વિત્ઝર્લૅન્ડને બરોબરનું આડેહાથ લઈ લેતાં ક્ષિતિજ ત્યાગીએ માનવઅધિકાર ભંગ અંગે સ્વિત્ઝર્લૅન્ડે ભારત ઉપર મૂકેલા આક્ષેપોનો સણસણતો જવાબ આપતાં કહ્યું હતું કે, તમે તમારા દેશની જ આંતરિક પરિસ્થિતિ સંભાળો તમારા દેશમાં પણ જાતિવાદ, સુવ્યવસ્થિત અને ગણતરીપૂર્વક રખાતા ભેદભાવ અને કટ્ટર રાષ્ટ્રવાદ અંગે વિચારો. ભારતને તે અંગે શીખામણ આપવાની જરૂર નથી. વાસ્તવમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી, સૌથી વધુ વિવિધતા ધરાવતી છતાં સ્પંદનશીલ રહેલી લોકશાહી પાસેથી તમારે શિક્ષણ લેવાની જરૂર છે. બહુજાતિવાદ, અને તેના પરિણામે ઉભા થતા પડકારોનો સામનો કઈ રીતે કરવો તે બધું શીખવા સ્વિત્ઝર્લૅન્ડે ભારત પાસે આવવું પડે તેમ છે.


