Get The App

પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે : ભારત-પાક. તંગદિલી વચ્ચે મરિયમ નવાઝની ખુલ્લી ધમકી

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે : ભારત-પાક. તંગદિલી વચ્ચે મરિયમ નવાઝની ખુલ્લી ધમકી 1 - image


Mariam Nawaz Threat India : પહેલગામ ત્રાસવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે. તેવામાં પંજાબનાં મુખ્યમંત્રી, અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પુત્રી મરિયમ નવાઝે કેટલાંક કઠોર અને ઉશ્કેરણીજનક વિધાનો કર્યાં હતાં. તેમણે કહ્યું કે : અલ્લાહની મહેરબાનીથી કોઈપણ દેશ પાકિસ્તાન ઉપર હુમલો કરવાની હિંમત નહીં કરી શકે; કારણ કે તેની પાસે પરમાણુ શસ્ત્રો છે. પાકિસ્તાન એક પરમાણુ સત્તા છે.

પહેલગાંવ હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલીમાં એક કાર્યક્રમને સંબોધતાં તેઓએ કહ્યું : 'ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદે તંગદિલી તો પ્રવર્તી જ રહી છે, અને ભય પણ તોળાઈ રહ્યો છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અલ્લાહે પાકિસ્તાનને પાકિસ્તાનીઓને અને પાકિસ્તાનમાં સૈન્યને એટલી શક્તિ આપી છે કે તેઓ દુશ્મનોના હુમલાઓનો બરોબર સામનો કરી શકે તેમ છે.'

આ સાથે તેઓએ વધુમાં કહ્યું હતું કે ગમે તે રાજકીય મત હોય, પરંતુ આપણે એક થઇ સેના સાથે ઊભા રહેવું જ પડે. જેથી તેઓ નિશ્ચિત અને અસરકારક રીતે યુદ્ધ આપી શકે. આ સાથે હું તમોને કહેવા માગું છું કે પાકિસ્તાન પર હુમલો કરતાં પહેલાં દુશ્મનને 10 વાર વિચારવું પડશે. કારણ કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે.

ઉલ્લેખનીય છે કે મરિયમ નવાઝે આ વિધાનો તેવે સમયે કર્યાં હતાં કે જ્યારે પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાતુલ્લાહ તરારે બુધવારે દાવો કર્યો હતો કે ભારત આગામી ૨૪-૩૬ કલાકમાં જ હુમલો કરશે કારણ કે ભારત માને છે કે તે હુમલો પાકિસ્તાન પ્રેરિત હતો.

Tags :