પાકિસ્તાન ઉપર ૭૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦ રુપિયાનું દેવું, આઇએમએફને ખૂશ કરવા માટે બજેટ
૭૬ ટ્રીલિયન દેવું જે ભારતીય રુપિયામાં ૨૩ લાખ કરોડ થાય છે
છેલ્લા ૯ મહિનામાં સાર્વજનિક દેવામાં વૃદ્ધિ ૬.૭ ટકા થઇ હતી
ઇસ્લામાબાદ,૧૦ જુન,૨૦૨૫,મંગળવાર
પાકિસ્તાન આર્થિક સ્થિતિ દિન પ્રતિદિન બગડતી જાય છે. ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ (આઇએમએફ) પાસેથી વારંવાર લોન લઇને ગાડુ ગબડાવે છે ત્યારે ઘર આંગણે મોંઘવારી પણ સતત વધી રહી છે. જીવન જરુરિયાતી ચીજ વસ્તુઓ અને પેટ્રોલ,ડિઝલના ભાવ ઘટવાનું નામ લેતા નથી. પાકિસ્તાનના શાસકો અને આર્મીએ લોકોને ગુમરાહ કરીને લોકોની મુશ્કેલી વધારી દીધી છે. આર્થિક સંકટ છતાં પગાર અને સરકારી ખર્ચામાં કોઇ જ કાપ મુકવામાં આવતો નથી.
પાકિસ્તાનના આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫ અનુસાર પાકિસ્તાન પર હાલમાં ૭૬૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (૭૬ ટ્રીલિયન) રુપિયાનું કરજ છે. ભારતના રુપિયામાં આ દેવું ૨૩ લાખ કરોડ થાય છે. પાકિસ્તાનનું જાહેર દેવું ૪ વર્ષમાં બમણું થઇ ગયું છે. દસ વર્ષ પહેલા આ દેવું માત્ર ૧૭૩૮૦ અબજ રુપિયા હતું. એ રીતે જોઇએ તો છેલ્લા ૧૦ વર્ષમાં દેવામાં પાંચ ગણો વધારો થયો છે. પાકિસ્તાન પર કરજ સતત વધતું જાય છે. આઇએમએફ અને ચીન જેવા દેશો પાસેથી આર્થિક મદદ છતાં આર્થિક પરિસ્થિતિ સુધરી નથી.
પાકિસ્તાનનું નાણા મંત્રાલય આર્થિક સ્થિતિ સુધરી હોવાનો દાવો કરે છે પરંતુ આંકડા અલગ જ હકિકત બયાન કરે છે.સર્વે રિપોર્ટમાં જણાવાયું છે કે જો વ્યાજ અને દેવાનો બોજ આવી જ રીતે વધતો રહેશે તો લાંબા ગાળાની રાજકોષિય સ્થિરતા અને આર્થિક સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક વર્ષ ૨૦૨૪-૨૫ના શરુઆતના ૯ મહિનામાં સાર્વજનિક દેવામાં વૃદ્ધિ ૬.૭ ટકા થઇ હતી.
પાકિસ્તાનને તાજેતરમાં ૧.૦૩ બિલિયન ડોલરની આઇએમએફ દ્વારા મદદ મળી હતી. આર્થિક સર્વે રિપોર્ટમાં સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનનો બજેટ તૈયાર કરવાનો હેતું પાકિસ્તાનના લોકોને રાહત આપવા માટે નહી પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ જેવી નાણાકિય સંસ્થાઓને ખૂશ કરવાનો છે.