World

પાકિસ્તાન સરકારના પત્રકારો અને એન.જી.ઓ. ઉપર ચાબખા : કહ્યું તેઓ 'રાજ્ય દ્રોહી' છે

By GS TEAM
3 Oct 20252 mins read
પાકિસ્તાન સરકારના પત્રકારો અને એન.જી.ઓ. ઉપર ચાબખા : કહ્યું તેઓ 'રાજ્ય દ્રોહી' છે

- ઓક્ટો. 1 અને 2 તેમ બંને દિને વર્તમાન પત્રોમાં આપેલી જા ઠ ખ.માં જણાવ્યું હતું કે, 'હવે યુદ્ધ મેદાનને બદલે માહિતી ક્ષેત્રે વળી રહ્યું છે'

ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે વર્તમાન પત્રોમાં આપેલી જાહેર ખબરોમાં જર્નાલિસ્ટ, ફ્રી લાન્સર્સ અને એન.જી.ઓ. સ્ટાફ અને સામાજિક કાર્યકરોને દુશ્મન દળોના પ્રચાર યુદ્ધના 'હાથા' કહેતા દેશભરમાં હોબાળો જામી ગયો છે. આ સાથે વર્તમાન પત્રો અંગે પત્રકારોને મુક્ત રહેવા દેવા માનવ અધિકારવાદીઓએ સરકાર ઉપર ઉગ્ર પ્રહારો શરૂ કરી દીધા છે.

પાકિસ્તાનનું અગ્રીમ અંગ્રેજી વર્તમાનપત્ર 'ડૉન' આ માહિતી આપતા વધુમાં જણાવે છે કે, પાકિસ્તાન સરકારના આ પગલાએ દેશભરમાં 'હોબાળો' શરૂ કરાવી દીધો છે.

ડૉન વધુમાં જણાવે છે કે, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ૧લી અને ૨જી ઑક્ટોબરે સતત બે દિવસ અર્ધાં- અર્ધાં પાનાની જાહેર ખબરો તમામ વર્તમાનપત્રોમાં આપી હતી તેમાં પૂછવામાં આવ્યું હતું કે, 'તમે કદી વિચાર્યું છે કે, વર્તમાનમાં યુદ્ધ કેવું હોય છે ? હવેના યુદ્ધમાં દારૂગોળો વપરાતો નથી, પરંતુ માહિતી અને પ્રસારણ દ્વારા 'યુદ્ધ' લડાઈ રહે છે.' એનજીઓના કાર્યકરો તરીકે વર્તમાન પત્રોના પત્રકારો તરીકે કે ફ્રી-લાન્સર્સ તરીકે જેઓ 'ફરી વળે છે' તેઓ રાજ્ય દ્રોહીઓ છે. તેઓ સંવેદનશીલ માહિતી પ્રસિદ્ધ કરે છે અને જનતામાં ભય ફેલાવે છે સાથે અશાંતિ પણ ઉભી કરે છે.

આ અંગે મીડિયાની સ્વતંત્રતા ઉપર નજર રાખતું ફ્રીડમ નેટવર્ક આ પ્રકારની જાહેરખબરોને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવે છે કે, 'આવા બેજવાબદાર વિધાનો વર્તમાનપત્રોની મુક્તિને તોડે છે અને પ્રેસની મુક્તિને રાષ્ટ્રીય સલામતી સામેની ભીતિ તરીકે જણાવે છે. પરિણામે પ્રેસ વિશ્વસનીય માહિતી આપતું બંધ થઈ જશે જેથી જનતા તેમજ દેશ બંનેને નુકસાન થશે.'

હ્યુમન રાઇટ્સ કમિશન ઓફ પાકિસ્તાન (એચ.આર. સી.પી.), વીમેન્સ સેક્શન ફોરમ (લાહોર), શિરકતગાહ- વીમેન્સ રીસર્ચ સેન્ટર, સાઉથ એશિયા-પાર્ટનરશીપ પાકિસ્તાન, સિમોર્ધ તથા સેન્ટર ફોર લીગલ એઇડ, આસિસ્ટન્ટ એન્ડ સેટલમેન્ટ (સી.એલ.એ.એસ) તે સર્વેએ એક સંયુક્ત નિવેદન પ્રસિદ્ધ કરી પાકિસ્તાનમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયની ઉગ્ર ટીકા કરી છે. આ જાહેરખબરો પાકિસ્તાનમાં અત્યારે પણ અંકુશિત રહેલી અભિવ્યક્તિની મુક્તિને વધુ બંદીવાન બનાવનારી છે.

આ માહિતી તેવા સમયે આવી છે કે, જ્યારે સરકાર વિપક્ષી નેતાઓની ધરપકડોનો સીલસીલો ચાલુ રાખ્યો છે.

માનવ અધિકારવાદીઓ કહે છે કે, આથી 'પ્રેસ'ની સ્વતંત્રતા ઉપર સીધો કાપ મુકવાનો સંકેત સ્પષ્ટ થઈ જાય છે અને પત્રકારો તથા વર્તમાનપત્રોને રાજ્યના દુશ્મનો કહી 'લોકશાહી મુક્તિ' ઉપરના હુમલાઓને કાનુની સ્વીકૃતિ આપે છે અને વિપક્ષી નેતાઓની ધરપકડને યોગ્ય ઠેરવવાનો તેનો હેતુ છે.

પાકિસ્તાન સરકારની આ ગતિવિધિ અત્યારે જ સંકોચાઈ રહેલા નાગરિક અધિકારોને તદ્દન સંકોચી નાખશે તેમ માનવ અધિકારવાદીઓ સ્પષ્ટત: જણાવે છે.