ભારત વિરોધી બ્રિટિશ સાંસદના સમૂહને ઈમરાન સરકારે આપી હતી રૂ. 30 લાખની પાકિસ્તાન ટ્રીપ
ભારત વિરોધી વિચારધારા માટે પ્રખ્યાત બ્રિટનની લેબર પાર્ટીની સાંસદ ડેબી અબ્રાહમ્સને ગેરકાયદેસર વિઝાને પગલે ડિપોર્ટ કરવામાં આવેલી
લંડન, તા. 19 જુલાઈ 2020, રવિવાર
બ્રિટનનું એક સંસદીય જૂથ આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પહોંચ્યું હતું. તેનું કામ કાશ્મીરમાં થતા માનવાધિકારના ઉલ્લંઘનો પર પ્રકાશ પાડવાનું હતું. ત્યારે તાજેતરમાં થયેલા એક ખુલાસા પ્રમાણે પાકિસ્તાન સરકારે આ સમૂહની ટ્રીપ માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા.
આ સમૂહની અધ્યક્ષ એવી બ્રિટનની લેબર પાર્ટીની સાંસદ ડેબી અબ્રાહમ્સ (Debbie Abrahams)ને અગાઉ ગેરકાયદેસર વિઝાને કારણે ભારતમાં પ્રવેશતી અટકાવવામાં આવી હતી. ડેબી પોતાના ભારત વિરોધી વિચારોને લઈ ખૂબ જ પ્રખ્યાત છે.
પાક સરકારે કર્યો ખર્ચ
બ્રિટનના રજિસ્ટર ઓફ ઓલ પાર્ટી પાર્લામેન્ટ્રી ગ્રુપ (All party Parliamentary Group, APPG)ના અહેવાલ પ્રમાણે કાશ્મીર પર બનેલા APPGKને 18 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન સરકાર તરફથી 29.7 લાખ રૂપિયાથી 31.2 લાખ રૂપિયા વચ્ચે 'Benefit in Kind' (રોકડ સિવાય મળતો ખર્ચ) મળ્યા હતા.
આ જૂથ 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન 'પાકિસ્તાન અને આઝાદ કાશ્મીર' ગયું હતું. APPGને આ રજિસ્ટરમાં 1500 પાઉન્ડ (1.41 લાખ રૂપિયા)થી વધારે રૂપિયા કે 'Benefit in Kind' મળે તો તેણે જણાવવું પડે છે.
APPGK શું છે
APPGKમાં વિભિન્ન પાર્ટીના સાંસદ અને નિષ્ણાંતો છે જેમાં કેટલાકના મૂળિયા પાકિસ્તાન સાથે જોડાયેલા છે. આ જૂથ વાતચીતના માધ્યમથી કાશ્મીરના લોકોની આઝાદીના અધિકારનું સમર્થન કરે છે, બ્રિટનની સંસદ પાસેથી સમર્થન મેળવે છે, કાશ્મીરના માનવાધિકાર ઉલ્લંઘનો પર પ્રકાશ પાડે છે અને લોકો માટે ન્યાયની માંગણી કરે છે. ડેબી અબ્રાહમ્સ આ જૂથની અધ્યક્ષતા સંભાળી રહી હતી અને તેણી ભારત વિરોધી વિચારો માટે પ્રખ્યાત છે.
ભારત વિરોધી ડેબીને પાછી મોકલી
લેબર પાર્ટીના સાંસદ ડેબીને 17મી ફેબ્રુઆરીના રોજ દુબઈ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા હતા. તેમના ઈ-વિઝા ગેરકાયદેસર હોવાનું જણાયું હતું. આગામી દિવસે 18 ફેબ્રુઆરીના રોજ તે પાકિસ્તાન સરકારના ખર્ચે પાક વડાપ્રધાન ઈમરાન ખાનને મળવા ગયા હતા.
ડેબીએ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદી અને તેને લદ્દાખ સાથે કેન્દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરવામાં આવ્યું તેને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને ભારતીય હાઈ કમિશનર સમક્ષ ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમને ડિપોર્ટ કર્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ડેબી ભારત વિરૂદ્ધ અભિયાન ચલાવી રહી છે અને તેને ભારે બેઈજ્જત કરીને પાછી મોકલી દેવામાં આવી છે.