રાફેલ આવવાથી પાકિસ્તાનની ચિંતા વધી, પ્રવક્તાએ આપ્યું આવું નિવેદન
નવી દિલ્હી, 1 ઓગસ્ટ 2020 શનિવાર
ભારતનાં અત્યાધુનિક રાફેલ ફાઇટર વિમાનોએ પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. ફ્રાન્સથી રાફેલ વિમાનોએ ઉડાન ભરી તે દરમિયાન પાકિસ્તાન હવાઇ દળનાં વડા આર્મી ચીફ જનરલ બાજવાને મળ્યા હતા. હવે વિદેશ મંત્રાલયની પ્રવક્તા આઇશા ફારુકીએ રાફેલ અંગે નિવેદન આપ્યું છે.
વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ ભારત પર લગાવ્યા આરોપ
પોતાની મીડિયા બ્રીફિંગમાં ફારૂકીએ જણાવ્યું હતું કે પાકિસ્તાને ભારતના તાજેતરના સૈન્ય સોદાની નોંધ લીધી છે. આ રાફેલ જેટ ડ્યુઅલ ક્ષમતાવાળી ટેકનોલોજીથી સજ્જ છે.
પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે પણ તેમાં પરિવર્તન લાવી શકાય છે. સ્વાભાવિક છે કે ભારત તેના પરમાણુ શસ્ત્રોનું વિસ્તરણ કરવાની સાથે તેમનાં આધુનિકીકરણનું પણ વિસ્તરણ કરી રહ્યું છે.
પ્રવક્તાએ વધુમાં આરોપ લગાવ્યો, "વિશ્વનાં બીજા સૌથી મોટા શસ્ત્ર આયાતકાર બનીને ભારત હિંદ મહાસાગર ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્રોની રેસમાં વધારો કરી રહ્યું છે." ભારત તેની જરૂરિયાતો કરતા સૈન્ય શસ્ત્રોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે, જે ચિંતાજનક છે.'
ફ્રાન્સથી પાંચ રાફેલ બુધવારે ભારત પહોંચ્યા હતા
ફ્રાન્સથી પાંચ લડાકુ વિમાન બુધવારે અંબાલા એરબેઝ પહોંચ્યા હતા. તેમના આગમન સાથે ભારતીય વાયુસેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.
રાફેલ એ વિશ્વનું શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટ છે. આ 4.5 જનરેશનનાં ફાઇટર વિમાન સેમી-સ્ટીલ્થ ફિચર્સથી સજ્જ છે. તે દુશ્મન રડારમાં પણ પકડાતું નથી.
એકવાર તે મિટિયોર, સ્કૈલ્પ,હેમર તથા અન્ય મિસાઇલોથી સજ્જ થયા પછી આ લડાકુ વિમાનો એકદમ ઘાતક સાબિત થાય છે. રાફેલ પાસે આધુનિક સંરક્ષણ ટેકનીક છે.
જે તેને અત્યંત વિશેષ બનાવે છે. આ લડાકુ વિમાન તેના વજનથી બે ગણાં વજન સાથે ઉડાન ભરી શકે છે અને જો જરૂર પડે તો તે પરમાણુ શસ્ત્રો પણ લઇ જઇ શકે છે.