Get The App

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનની મોટા ઉપાડે મધ્યસ્થી, જાણો શું છે ‘શાંતિ દૂત’ બનવાની મજબૂરી!

Updated: Apr 20th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધમાં પાકિસ્તાનની મોટા ઉપાડે મધ્યસ્થી, જાણો શું છે ‘શાંતિ દૂત’ બનવાની મજબૂરી! 1 - image

Pakistan's Diplomatic Gamble: મધ્ય-પૂર્વમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે જામેલા જંગમાં પાકિસ્તાન ‘શાંતિ દૂત’ની ભૂમિકા ભજવી રહ્યું છે. ફેબ્રુઆરી, 2026માં શરૂ થયેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાન મોટા ઉપાડે મધ્યસ્થી કરી રહ્યું છે. શું આ પગલું ભરીને પાકિસ્તાન ઉમદા ભૂમિકા ભજવી રહ્યું છે, કે પછી તેની પાછળ પાકિસ્તાનની કોઈ મજબૂરી છે? ચાલો જાણીએ કે કેવી રીતે આ યુદ્ધ પાકિસ્તાનના અર્થતંત્રને પણ બરબાદ કરી રહ્યું છે, તેની સરહદોને સળગાવી રહ્યું છે અને કેવી રીતે આ ‘શાંતિ મંત્રણા’ ઈસ્લામાબાદ માટે ‘છેલ્લો વિકલ્પ’ બની ગયો છે.

ત્રણ મોરચે લડવાની ક્ષમતા નથી 

પાકિસ્તાન માટે સૌથી મોટો ડર એ છે કે ક્યાંક આ યુદ્ધ તેની પોતાની સરહદો સુધી ન ફેલાઈ જાય. ઈરાન સાથે પાકિસ્તાનની 900 કિ.મી. લાંબી સરહદ છે. જો આ યુદ્ધ લંબાયું, તો પાકિસ્તાનને ત્રણ મોરચે લડાઈ કરવી પડે એમ છે. ભારત સાથે એને કાયમી તણાવ રહે છે અને અફઘાનિસ્તાન સાથેની સરહદ પણ અસ્થિર છે. જો ઈરાનને મોરચે પણ લડવાનું આવ્યું તો પાકિસ્તાનની સેના ‘ત્રણ સરહદો’ સંભાળી શકે એમ નથી. આ ઉપરાંત અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અલગતાવાદીઓ તકનો લાભ લઈને વધુ સક્રિય થઈ જાય, તો ઘરઆંગણે લડવામાં પણ પાકિસ્તાનના મોતિયા મરી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 

સાઉદી સાથે ‘સંરક્ષણ કરાર’ની મૂંઝવણ

સપ્ટેમ્બર 2025માં પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે એક વ્યૂહાત્મક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. એ કરાર મુજબ જો સાઉદી અરેબિયા પર હુમલો થશે, તો તે પાકિસ્તાન પર હુમલો ગણાશે. હવે જો ઈરાન સાઉદી અરેબિયા પર હુમલો કરે તો પાકિસ્તાન મુશ્કેલીમાં મૂકાઈ જશે. તેણે પોતાના જૂના સાથી (સાઉદી) અને પડોશી (ઈરાન) વચ્ચે પસંદગી કરવી પડશે. આ મૂંઝવણમાંથી બચવા માટે પાકિસ્તાન મધ્યસ્થી કરીને બંનેને એકસાથે શાંતિથી રાખવા માંગે છે, જેથી તેણે કરારની શરતોના પાલન માટે યુદ્ધમાં ઝંપલાવવું ન પડે.

સાંપ્રદાયિક સ્થિરતા પણ જોખમાવાનો ભય

જો સાઉદી સાથેના કરારને લીધે કે પછી અન્ય કોઈ પણ કારણસર પાકિસ્તાને ઈરાન સામે યુદ્ધ લડવું પડ્યું, તો દેશમાં સાંપ્રદાયિક ઝઘડા થઈ શકે છે કારણ કે, પાકિસ્તાનની વસ્તીના 20% નાગરિકો શિયા મુસ્લિમ છે. ઈરાન શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતો દેશ હોવાથી પાકિસ્તાનમાં શિયા-સુન્ની વચ્ચે રમણાખો ફાટી નીકળવાનો ભય છે. તેથી દેશને આંતરિક રીતે શાંત રાખવા માટે પણ પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે.

પાકિસ્તાનના અર્થતંત્ર પર ‘પેટ્રોલ બોમ્બ’ની અસર 

આ યુદ્ધે પાકિસ્તાનના સામાન્ય નાગરિકના જીવન પર સીધી અસર કરી છે. વિશ્વના 20% તેલનો વેપાર જ્યાંથી થાય છે એ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા છે. એપ્રિલ 2026માં પેટ્રોલનો ભાવ વધીને પ્રતિ લિટર 458 પાકિસ્તાની રૂપિયા થઈ ગયો હતો. આ કારણે દેશભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. સરકારે લોકોને રાહત આપવા માટે ફ્રી પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા પગલાં લીધા છે, પરંતુ ફુગાવો એટલો વધી ગયો છે કે, આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે પાકિસ્તાનની મદદે આવવું પડ્યું. યુદ્ધ જેટલું લાંબું ખેંચાશે એટલી વધુ આર્થિક તબાહી પાકિસ્તાનમાં થશે, તેથી એવી સ્થિતિ ટાળવા માટે પણ પાકિસ્તાને શાંતિ દૂત બનવું પડ્યું છે.

ઈસ્લામાબાદમાં બેક ચેનલ ડિપ્લોમસી

પાકિસ્તાને મધ્યસ્થી કરવા માટે એક મજબૂત પ્લેટફોર્મ બનાવ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સેનાપ્રમુખ અસીમ મુનીરે ઈરાનની રાજધાની તહેરાન અને અમેરિકાની રાજધાની વોશિંગ્ટન વચ્ચે ‘બેક ચેનલ’ વાટાઘાટો કરી છે. પરિણામે એપ્રિલ 2026ની શરૂઆતમાં 14 દિવસીય યુદ્ધવિરામ શક્ય બન્યો હતો. પાકિસ્તાને ઈરાન સમક્ષ અમેરિકાનો 15 મુદ્દાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને પરમાણુ કાર્યક્રમને લગતી પ્રવૃત્તિ ઘટાડવાના બદલામાં પ્રતિબંધો હળવા કરવાની વાત હતી. જો કે, વાટાઘાટોનો પહેલો રાઉન્ડ નિષ્ફળ ગયો, પરંતુ પાકિસ્તાને ‘ઈસ્લામાબાદ પ્રોસેસ’ ચાલુ રાખી છે.

આ પણ વાંચો: ઈરાને પાકિસ્તાનને સોંપ્યો 10 મુદ્દાનો પ્રસ્તાવ, અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતનો સ્પષ્ટ ઈનકાર

‘શાંતિ દૂત’નો અંગત સ્વાર્થ છે

‘શાંતિ દૂત’ બનીને પાકિસ્તાન માત્ર યુદ્ધ બંધ કરાવવા નથી માંગતું, પણ તેના ભૂ-રાજકીય એટલે કે જિયોપોલિટિકલ સ્વાર્થ પણ સંતોષવા માંગે છે. ભારતના વધતા પ્રભાવ સામે પાકિસ્તાન વોશિંગ્ટનમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. ‘શાંતિ દલાલ’ બનીને તે અમેરિકા, ચીન અને સાઉદી અરેબિયા સાથે એક સાથે સારા સંબંધો જાળવી શકે એમ છે કારણ કે, એમ પણ આવા મજબૂત દેશોની ખેરાત પર જ પાકિસ્તાનનું અર્થતંત્ર ટકેલું છે.