ફરી પાકિસ્તાનની પોકળ ધમકીઓ શરૂ, ખ્વાજા આસિફે કહ્યું- ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર

Pakistan Defence Minister Khawaja Asif: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ વારંવાર ઉશ્કેરણીજનક નિવેદનો આપતા રહે છે. એવામાં તેમણે ફરી એકવાર ભારત અને અફઘાનિસ્તાન બાબતે ભડકાઉ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, 'પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન બંને મોરચે યુદ્ધ માટે તૈયાર છે.'
ફરી પાકિસ્તાનની પોકળ ધમકીઓ શરૂ
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારપૂર્વક જણાવ્યું કે, 'પાકિસ્તાન ભારત (પૂર્વીય) અને અફઘાનિસ્તાન (પશ્ચિમી) એમ બંને સરહદો પર લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. અમે બંને મોરચે યુદ્ધ માટે તૈયાર છીએ, અલ્લાહે પહેલા રાઉન્ડમાં અમારી મદદ કરી હતી અને તે બીજા રાઉન્ડમાં પણ કરશે.' જોકે, પાકિસ્તાન હાલમાં રાજકીય અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું હોવા છતાં, ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના નેતાઓ અને સેના વારંવાર યુદ્ધની ધમકીઓ આપીને ક્ષેત્રીય તણાવ વધારી રહ્યા છે.
દિલ્હી બ્લાસ્ટને 'ગેસ સિલિન્ડર વિસ્ફોટ' ગણાવ્યો
અગાઉ ખ્વાજા આસિફે દિલ્હી બ્લાસ્ટને માત્ર 'ગેસ સિલિન્ડર વિસ્ફોટ' ગણાવીને શરમજનક નિવેદન આપ્યું હતું. તેમણે ભારત પર આરોપ લગાવ્યો કે, 'ભારત આ ઘટનાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગઈકાલ સુધી જે ઘટના ગેસ સિલિન્ડર ફાટવાની હતી, તેને હવે તેઓ વિદેશી કાવતરું ગણાવવા પ્રયત્નશીલ છે.'
તેમણે આગળ ચેતવણી આપી કે, 'જો ભારત આ હુમલાનો આરોપ આગામી કલાકોમાં કે કાલે અમારા પર લગાવે તો મને આશ્ચર્ય નહીં થાય. જો અમારા પર કોઈ આક્રમકતા થશે, તો અમે ચૂપ નહીં બેસીએ.'
ખ્વાજા આસિફના નિવેદનને ભારતીય અધિકારીઓએ 'જવાબદારીમાંથી છટકવાનો શરમજનક પ્રયાસ અને તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવા' સમાન ગણાવ્યું. વરિષ્ઠ ભારતીય સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની મંત્રીનો આ લહેજો ઇસ્લામાબાદની ગભરાહટ છતી કરે છે, ખાસ કરીને ત્યારે જ્યારે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલો વિસ્ફોટક લશ્કરી સ્તરનો (મિલિટરી-ગ્રેડ) હતો.

