VIDEO : પાકિસ્તાનમાં ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં વિસ્ફોટ, એકનું મોત, બાળકો સહિત અનેક ઈજાગ્રસ્ત
Pakistan Bomb Blast : પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે ક્રિકેટ મેચ દરમિયાન ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક વ્યક્તિનું મોત અને બાળકો સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, આ વિસ્ફોટ બાજૌર જિલ્લાના ખાર તાલુકામાં આવેલા કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો છે.
વિસ્ફોટ થતા મેદાનમાં અફરાતફરી
પોલીસ અધિકારી વકાસ રફીકે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્ફોટ IED દ્વારા કરવામાં આવ્યો હતો. નજરે જોનારાઓએ કહ્યું કે, મેચમાં વિસ્ફોટ થતા મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બના ધડાકાથી જમીન હચમચી ગઈ હતી અને લોકો ગભરાઈને મેદાન છોડીને ભાગી ગયા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
#BREAKING: One person killed and several others injured in an explosion while a cricket match was being played in Pakistan’s northwestern Khyber Pakhtunkhwa province.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 6, 2025
The blast occurred at Kausar Cricket Ground in Khar tehsil of Bajaur district. Bajaur District Police Officer… pic.twitter.com/fueySPp8el
પોલીસે તપાસ હાથ ધરી
આ ઘટનાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. પોલીસનું અનુમાન છે કે, બાજૌર જિલ્લામાં તાજેતરમાં આતંકવાદ વિરોધી અભિયાનો ચાલી રહ્યા છે, જેના જવાબમાં આતંકવાદીઓએ આ વિસ્ફોટ કર્યો હોઈ શકે છે. સુરક્ષા દળોએ તપાસ ચાલુ રાખી છે અને ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
ત્રણ દિવસ પહેલા ક્વેટામાં વિસ્ફોટમાં 11ના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાકિસ્તાનમાં આ પ્રકારની હિંસક ઘટનાઓ વધી રહી છે. 3 સપ્ટેમ્બરે ક્વેટા શહેરમાં એક રેલીના પાર્કિંગ વિસ્તારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા હતા. પોલીસ આ વિસ્ફોટની પણ તપાસ કરી રહી છે, જે આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. પાકિસ્તાન સરકાર માટે આ ઘટનાઓ સુરક્ષાની દ્રષ્ટિએ મોટો પડકાર બની રહી છે.