ઈરાનના પરમાણુ-કાર્યક્રમને પાકિસ્તાન પુષ્ટિ આપે છે: બંને દેશોનો વ્યાપાર 10 અબજ ડોલર સુધી વધારવા કરારો
- પાક.ઈરાન વચ્ચે 12 એમઓયુ કરવામાં આવ્યા, જેમાં વ્યાપાર કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી તથા સમુદ્રીય સુરક્ષા આવરી લેવાઈ
ઈસ્લામાબાદ : પાકિસ્તાનની મુલાકાતે આવેલ ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કીયાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ વચ્ચે ગઈકાલે (રવિવારે) સાંજે વિવિધ ક્ષેત્ર સંબંધે ૧૨ કરારો થયા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઇરાનના શાંતિમય હેતુ સાથેના પરમાણુ કાર્યક્રમને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, એક સાર્વભોમ અને સ્વતંત્ર દેશ તરીકે ઈરાનને તેનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવવાનો પૂરો અધિકાર છે.
આ બંને નેતાઓએ જુદા જુદા ૧૨ કરારો પર હસ્તાક્ષરો કર્યા હતા. જેમાં વ્યાપાર, ટેકનોલોજી, વિજ્ઞાન, કૃષિ તથા સમુદ્રીય સુરક્ષા સહિત વિવિધ ક્ષેત્રોએ મળી કુલ ૧૨ મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ કરવામાં આવ્યા હતા તેમાં સંદેશ વ્યવહાર પણ આવૃત્ત છે. મુખ્ય વાત તે છે કે બંને દેશોએ લાંબા સમયથી અટકી રહેલાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર પણ બંને નેતાઓએ હસ્તાક્ષરો કર્યા હતા.
આ અંગે નિરીક્ષકો કહે છે કે, એક તરફ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ પાકિસ્તાનના લશ્કરી વડા મુનીરને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે. તો બીજી તરફ પાકિસ્તાન અમેરિકાના કટ્ટર શત્રુ ચીનનાં પડખાંમાં ઘૂસી રહ્યું છે. તેટલું ઓછું હોય તેમ અમેરિકાનાં જાની-દુશ્મન ઈરાનની સાથે પરમાણુ ટેકનોલોજી સહિત સમુદ્રીય સુરક્ષાના કરારો કરે છે.
એક મંતવ્ય તો તેવું રહ્યું છું કે, ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવામાં પાકિસ્તાન સહાય કરે તો તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. વાસ્તવમાં બલુચિસ્તાનના પશ્ચિમ છેડે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ હોવા છતાં ઈરાનના પ્રમુખ પાકિસ્તાનની મુલાકાતે ગયા તે પાછળ આ ગૂઢકારણ જ હોઈ શકે.
પેઝેશ્કીયાન તેઓની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનના પ્રમુખ આસીફ અલિ ઝરદારીને પણ મળ્યા હતા જેઓએ પ્રાદેશિક શાંતિ સ્થાપવાં માટે ઈરાનના સઘન પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આ તબક્કે તેમ યાદ રાખવું જરૂરી છે કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ઘેરી અશાંતિ પ્રવર્તે છે અને ઈરાન હમાસ હુતી અને હઝીબુલ્લા જેવાં જૂથોને પૈસા અને શસ્ત્રો આપે છે.