BLF Attack On Pakistani Army : પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. BLFના જણાવ્યા અનુસાર, ખારાન શહેરમાં કરવામાં આવેલા આ સમન્વિત હુમલામાં 50થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે.
9 કલાક સુધી ચાલ્યું લોહિયાળ જંગ
BLFના પ્રવક્તાએ જણાવ્યું કે, 15 જાન્યુઆરીના રોજ બપોરે ખારાન શહેરમાં તેમના લડાકુઓએ પ્રવેશ કરી આખા શહેર પર કબજો જમાવી લીધો હતો. આ સંઘર્ષ સતત 9 કલાક સુધી ચાલ્યો હતો. તેમણે પોલીસ સ્ટેશનને પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું, ત્યાં તૈનાત કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને તમામ સરકારી હથિયારો છીનવી લીધા હતા. આ ઉપરાંત જેલમાં બંધ કેદીઓને છોડાવીને પોલીસ વાહનો અને રેકોર્ડને આગ ચાંપી દેવામાં આવી હતી.
બેંકો અને સરકારી ઈમારતો પર હુમલો
લડાકુઓની અન્ય એક ટુકડીએ ખારાનના મુખ્ય બજારમાં ઘૂસીને મીઝાન બેંક, અલ હબીબ બેંક અને નેશનલ બેંક સહિતની સરકારી ઈમારતોને નિશાન બનાવી હતી. આ દરમિયાન સેનાના કાફલા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 15 સૈનિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘાયલોમાં પાકિસ્તાની સેનાના વિંગ કમાન્ડર કર્નલ વધાન અને મેજર આસિમનો પણ સમાવેશ થાય છે.
વધુ ત્રણ બલૂચ નાગરિકો લાપતા
બીજી તરફ, બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા સામાન્ય નાગરિકોને ઉપાડી જવાની ઘટનાઓ પણ વધી છે. બલૂચ નેશનલ મૂવમેન્ટના જણાવ્યા અનુસાર, 17 જાન્યુઆરીએ પંજગુર જિલ્લામાંથી ઈમરાન અને રિઝવાન નામના બે ભાઈઓને સુરક્ષા દળોએ તેમના ઘરેથી ઉઠાવી લીધા હતા. અન્ય એક ઘટનામાં ખારાનના રહેવાસી ઓવૈસ અહેમદ કંબરાણીને પણ ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન બળજબરીથી ગાયબ કરી દેવામાં આવ્યા છે.


