શું પાકિસ્તાન અમેરિકાને હાઇડ્રોકસીકલોરોકવીન દવાની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકયો ?
સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધી રહી છે
હાઇડ્રોકસીકલોરોકવીનની નિકાસના પ્રતિબંધ મુદ્વે બે મંત્રાલયો વચ્ચે જ ખેંચતાણ
નવી દિલ્હી, 11 એપ્રિલ-2020, શનિવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પાસેથી હાઇડ્રોકસી કલોરોકિવન નામની ગોળી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સારવાર માટે માંગી હતી. ભારતે આ દવા અમેરિકાને આપવાનું નકકી કરીને માનવતા દાખવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ભારતનો આભાર પણ માની ચૂકયા છે પરંતુ પાકિસ્તાને ઘર આંગણે વધતા જતા કોરોના વાયરસના કેસના પગલે અમેરિકા સહિતના દેશોમાં હાઇડ્રોકસીકલોરોકવીન દવાની નિકાસ કરવા પર પ્રતિબંધ મુકયો છે. પાકિસ્તાનમાં ગત શુક્રવારે 190 નવા સંક્રમિત દર્દીઓ ધ્યાનમાં આવતા કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4788 થઇ છે. પાકિસ્તાનમાં ઇમરાન સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન ન આપ્યું હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે કેસોની સંખ્યા વધવાની શકયતા છે.
પાકિસ્તાનમાં અંદાજે 20 કંપનીઓ છે જે મલેરિયાને લગતી દવાઓનું ઉત્પાદન કરે છે. કોવિડ-19ની સારવારમાં તેનો ઉપયોગ થવાની સાથે જ બજારમાં ડિમાંડ વધી ગઇ હોવાથી ડોકટરની સલાહ વિના નહી આપવાના મેડિકલ સ્ટોર્સને આદેશ આપવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં 2.5 કરોડ જેટલી ગોળીઓ છે જે હવે પોતાના દેશના દર્દીઓ માટે જ રાખવા ઇચ્છે છે. જો કે અમેરિકાએ પાકિસ્તાન પાસે હાઇડ્રોકલોરોકવીન ડિમાંડ કરી હતી કે નહી તે જાણવા મળતું નથી.
કોરોના વાયરસથી થતા કોવિડ-19ની સારવાર આ માટે આ દવા મહત્વની માનવામાં આવતી હોવાથી પાકિસ્તાનના વાણીજય મંત્રાલયે આ જાહેરાત કરી હતી. અમેરિકાના ફૂડ એન્ડ મેડિસિન વિભાગે હાઇડ્રોકસી કલોરોકવીન દવાને કોવિડ-19 ની સારવાર માટે ભલામણ કરી ત્ચારથી આ દવાનું દુનિયામાં મહત્વ વધી ગયું છે. જો કે પાકિસ્તાનમાં દવાના પ્રતિબંધ બાબતે વાણીજય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વચ્ચે કલેશ ઉભો થયો છે.
હાઇડ્રોકસીકલોરોકવીન સહિતની મલેરિયાની દવાઓ પર પ્રતિબંધ કોણ મુકી શકે એ બાબતે નકકી નથી. અઠવાડિયા પહેલા પણ પાકિસ્તાનના હેલ્થ વિભાગના આદેશને વાણીજય વિભાગે ગેર કાયદેસર ગણાવ્યો હતો. એક વાર કેબિનેટમાં પ્રતિબંધનો આદેશ કરવામાં આવ્યો અને પછીથી રદ પણ કરવામાં આવ્યો હતો. આમ પાકિસ્તાનમાં કોરાના વાયરસ સામે લડવાના મુદ્વે સ્ટેટ્રેજીનો અભાવ જણાય છે.