World

પાક.નો અફઘાનિસ્તાન પર હુમલો : ત્રણ ક્રિકેટર્સ સહિત 20નાં મોત

By GS TEAM
19 Oct 20254 mins read
પાક.નો અફઘાનિસ્તાન પર હુમલો : ત્રણ ક્રિકેટર્સ સહિત 20નાં મોત

- નાપાક પાકિસ્તાને શસ્ત્ર વિરામનો 48 કલાકમાં જ ભંગ કર્યો, અફઘાનિસ્તાને ક્રિકેટ શ્રેણી રદ કરી

- વૈશ્વિક મંચ પર અફઘાનિસ્તાનને રજુ કરવાની ક્ષમતા ધરાવતા ક્રિકેટર્સનો ભોગ લેતો પાક.નો હુમલો કાયર કૃત્ય : કેપ્ટન રાશીદ ખાન

કાબુલ : તાલિબાન શાસિત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદે તંગદીલી વધી રહી છે. ૪૮ કલાકનો શસ્ત્ર વિરામ પૂર્ણ થાય તે પહેલા જ પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઇ હુમલા કરી દીધા છે. જેમાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટર સહિત ૨૦થી વધુ લોકો માર્યા ગયા છે. પાક.ના આ હુમલા બાદ હવે તાલિબાને વળતો પ્રહાર કરવાની તૈયારી કરી લીધી છે જેને પગલે બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળે તેવી સ્થિતિ છે. ત્રણ ક્રિકેટર્સના મોતને પગલે અફઘાનિસ્તાને પાક. સાથે ક્રિકેટ રમવાની જ ના પાડી દીધી છે.  

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ૪૮ કલાક માટે શસ્ત્ર વિરામ જાહેર કરાયું હતું, જોકે પાકિસ્તાને તેનો ભંગ કરીને શનિવારે અફઘાનિસ્તાન પર હુમલા કરી દીધા હતા. પાક.ના આ હુમલામાં અફઘાનિસ્તાનના ત્રણ ક્રિકેટર્સ કબીર આગા, સિબ્ગતુલ્લાહ અને હારૂનનું પણ મોત નિપજ્યું હતું. જેને કારણે ભડકેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે હવે પાકિસ્તાન સાથે યોજાનારી ત્રણ દેશોની નેશનલ સીરિઝમાં ભાગ નહીં લે. આ સીરિઝ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે પાક.માં ૧૭ નવેમ્બરના રોજ શરૂ થવા જઇ રહી છે. જોકે હવે તેને રદ કરી દેવી પડી છે. 

જે ત્રણ ક્રિકેટર્સ માર્યા ગયા છે તેમાં કબીર અન્ડર ૨૩ પ્રોવિન્સિયલ કેમ્પમાં પસંદ કરાયો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજીત અનેક મેચ તે રમી ચુક્યો છે. જ્યારે સિબ્ગતુલ્લાહ પણ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આયોજીત અનેક સ્થાનિક ટુર્નામેન્ટ રમી ચુક્યો છે. તેવી જ રીતે માર્યો ગયેલો હારૂન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમમાં ભવિષ્યની આશા હતી, તે ઓલરાઉન્ડર તરીકે પોતાનું સ્થાન તૈયાર કરી રહ્યો હતો. પાકિસ્તાને આ ત્રણેય આશાસ્પદ ક્રિકેટર્સનો ભોગ લીધો. આ ઘટના બાદ આંતરરાષ્ટ્રીય અફઘાન ખેલાડીઓ તરફથી આકરા પ્રત્યાઘાત અપાયા છે. 

અફઘાનિસ્તાનની નેશનલ ટીમના કેપ્ટન રાશીદ ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે નાગરિકો પર હુમલા કરવા અત્યંત કાયર અને અનૈતિક કૃત્ય છે. પાકિસ્તાનના હુમલામાં માનવ અધિકારોનો ભંગ થયો છે. અફઘાનિસ્તાનને વૈશ્વિક મંચ પર રજુ કરવાની ક્ષમતા ધરાવતા ત્રણેય ક્રિકેટર્સનો પાકે. ભોગ લીધો હતો.  આ ત્રણેય ક્રિકેટર્સ એક સાથે ઉરગુનથી શરાના જઇ રહ્યા હતા આ દરમિયાન પાકિસ્તાન સરહદ પાસેથી જ તેમના વાહન પર પાકિસ્તાને હુમલા કરી દીધા હતા. આ ઉપરાંત આસપાસના ગામડાઓ પર પાકિસ્તાને બેફામ તોપમારો કર્યો હતો અને હવાઇ હુમલા કર્યા હતા. જેમાં અનેક નાગરિકો માર્યા ગયા છે. હવે તાલિબાન દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે હુમલા કરવામાં આવી શકે છે. પાકિસ્તાનના આ કાયર કૃત્યને લઇને અફઘાનિસ્તાને જવાબ આપ્યો છે અને કહ્યું છે કે હવે પાકિસ્તાન પર અમને હુમલાનો અધિકાર છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે પોસ્ટ કરીને પાકિસ્તાનને આ ચેતવણી આપી હતી.     

બીસીસીઆઇએ અફઘાન ક્રિકેટ બોર્ડ પાસેથી શીખવા જેવું : સોશિયલ મીડિયામાં ટકોર

નવી દિલ્હી : ત્રણ સ્થાનિક ક્રિકેટર્સના મોત બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન સાથે નવેમ્બરમાં યોજાનારી ક્રિકેટ મેચ સીરિઝનો બોયકોટ કરવાનો નિર્ણય લીધો હતો. 

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટને પણ આ કાયર હુમલા બદલ પાક.ને આડેહાથ લીધુ હતું. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ખેલાડીઓના આ વલણની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા છે. અને લોકો ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઇના નિર્ણયો પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે જો અફઘાનિસ્તાન પોતાના ત્રણ ખેલાડીઓના મૃત્યુ પર આખી સીરિઝ જ બોયકોટ કરી શકતું હોય તો ભારતે તો પહલગામ હુમલામાં ૨૬ નાગરિકો ગુમાવ્યા હતા, તેમ છતા પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવામાં આવી. લોકોએ ભારતીય ક્રિકેટ બોર્ડને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી બોધપાઠ લેવાની સલાહ પણ આપી હતી. 

પાક.-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ રોકવું મારા માટે બહુ સરળ : ટ્રમ્પ

વોશિંગ્ટન : એક પણ યુદ્ધ ન અટકાવી શકનારા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દાવો કર્યો છે કે હું અન્ય દેશોની જેમ જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ યુદ્ધ થતુ અટકાવવાની ક્ષમતા ધરાવુ છું. હાલ મારુ ધ્યાન અમેરિકાને ચલાવવા પર છે પરંતુ મને યુદ્ધનો ઉકેલ લાવવામાં આનંદ આવે છે કેમ કે હું લોકોનો જીવ બચાવવા માગુ છું. વ્હાઇટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે એક વર્કિંગ લંચ દરમિયાન ટ્રમ્પે આ વાત કરી હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે મારા કાર્યકાળ દરમિયાન મે અનેક યુદ્ધો શાંત પાડયા અને લાખો લોકોનો જીવ બચાવ્યો છે. અત્યાર સુધીમાં મે આઠ યુદ્ધો શાંત પાડયા છે. જેમાં રવાંડા-કાંગો, ભારત-પાકિસ્તાન વચ્ચેનું ઘર્ષણ પણ સામેલ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના યુદ્ધને પણ બહુ જ સરળતાથી શાંત પાડવું શક્ય છે.  મે અનેક યુદ્ધોને થતા અટકાવ્યા હોવાથી શાંતિનું નોબેલ પ્રાઇઝ મળશે તેવી ચર્ચા હતી પરંતુ તેમ ના થયું.