ટ્રમ્પ માટે શાંતિના નોબેલ માટે આસિમ મુનીરની ભલામણ, કહ્યું- ભારત સાથે પરમાણુ યુદ્ધ અટકાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Army Chief Asim Munir Nominates Trump for Nobel Prize: બુધવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની મુલાકાત થઈ હતી. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન હાલ માટે યુદ્ધવિરામ પર સંમત થયા છે પરંતુ તણાવ હજુ પણ યથાવત છે. ત્યારથી, ડોનાલ્ડ ટ્રમ્પ સતત યુદ્ધવિરામનો શ્રેય લઈ રહ્યા છે. જોકે, ભારતે ઘણી વખત આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
ટ્રમ્પ દુશ્મન દેશના આર્મી ચીફને આટલું મહત્ત્વ કેમ આપી રહ્યા છે?
અમેરિકન પ્રમુખ ટ્રમ્પે મુનીરને વ્હાઇટ હાઉસમાં લંચ માટે આમંત્રણ આપ્યું હતું. ભારત સહિત આખી દુનિયામાં મુનીર અને ટ્રમ્પના લંચની ચર્ચા થઇ રહી છે. હવે એવો પ્રશ્ન પણ થાય કે ભારત સાથે સારા સંબંધો ધરાવતા ટ્રમ્પ દુશ્મન દેશના આર્મી ચીફને આટલું મહત્ત્વ કેમ આપી રહ્યા છે? આ અંગે વ્હાઇટ હાઉસે ખુલાસો કર્યો છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું મુલાકાતનું કારણ
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, 'ટ્રમ્પનું જનરલ અસીમ મુનીર સાથેનું લંચ નક્કી કરવા પાછળનું કારણ એવું છે કે મુનીરે ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની અપીલ કરી હતી.'
ટ્રમ્પે મીટિંગમાં શું કહ્યું?
આ મીટિંગ અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'મેં જનરલ અસીમ મુનીરને અહીં આમંત્રણ આપ્યું કારણ કે તેમણે ભારત સાથે યુદ્ધવિરામ પર સહમત થયા, આથી તેમનો આભાર માનવા માટે મેં તેમને લંચ પર આમંત્રણ આપ્યું. વડાપ્રધાન મોદી થોડા સમય પહેલા જ અહીંથી રવાના થઈ ગયા છે અને અમે ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર પર કામ કરી રહ્યા છીએ... હું ખૂબ ખુશ છું. બે ખૂબ જ સમજદાર લોકોએ યુદ્ધ ચાલુ ન રાખવાનો નિર્ણય લીધો. તેઓ બે મોટી પરમાણુ શક્તિ છે. આજે તેમને મળીને હું સન્માનિત અનુભવું છું.'
ટેલિફોનિક વાતચીત અંગે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આપી જાણકારી
કેનેડામાં G7 સમિટ પછી, વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર 35 મિનિટ વાતચીત થઈ. આ વાતચીત અંગે જાણકારી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'ઓપરેશન સિંદૂરની સમગ્ર ઘટના દરમિયાન, ભારત-અમેરિકા વેપાર કરાર પર કોઈ પણ સ્તરે ચર્ચા થઈ નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ પ્રકારની મધ્યસ્થીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નથી.'
આ પહેલી વાર નથી જ્યારે ટ્રમ્પનું નામ નોબેલ શાંતિ પુરસ્કાર માટે સામે આવ્યું હોય. અગાઉ વર્ષ 2020 માં, એક નોર્વેજીયન સાંસદે તેમને ઇઝરાયલ અને યુએઈ વચ્ચેના કરાર માટે નોમિનેટ કર્યા હતા, પરંતુ તે સમયે તેમને પુરસ્કાર મળ્યો ન હતો.








