પાકિસ્તાન આર્મીએ તેનો મુદ્રાલેખ બદલી નાખ્યો : પોતાને જેહાદી લશ્કર કહ્યું : જન.મુનીરને જેહાદી સેનાપતિ કહ્યા
- જેહાદ અમારી નીતિ છે : પાક. લશ્કર
- મૂળ મુદ્રાલેખ હતો : એકતા, શ્રધ્ધા અને શિસ્ત : તે બદલીને નવો મુદ્રાલેખ બનાવ્યો : શ્રધ્ધા, કરૂણા અને અલ્લાહનાં નામે સંઘર્ષ
ઈસ્લામાબાદ, રાવલપિંડી, (કેન્ટો.) : પાકિસ્તાન આર્મીએ ફરી એકવાર પોતાનો મુદ્રાલેખ બદલ્યો છે. તેના મુદ્રાલેખમાં ઉપર લખવામાં આવ્યું છે 'જેહાદ અમારી નીતિ' છે. આ સાથે પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ જણાવ્યું હતું કે જનરલ અસીમ મુનીર 'જેહાદી જનરલ' છે.
આ માહિતી આપતા પાકિસ્તાન આર્મીના પ્રવકતાએ કહ્યું હતું કે જનરલ ઝિયા-ઉલ-હક્કના સમયમાં પાકિસ્તાન આર્મીનો મુદ્રાલેખ પણ બદલી નાખવામાં આવ્યો હતો. મૂળ મુદ્રાલેખ હતો- ''ઈત્તેદાહ, યકીન, તનઝીમ'' (એકતા, શ્રધ્ધા, વિશ્વાસ અને શિસ્ત) તે મુદ્રાલેખ બદલી તેને ધાર્મિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવો મુદ્રાલેખ આ પ્રમાણે છે, 'ઈમાન, તકવા, જીહાદ-કી-સબઈલ્લાહ' (શ્રધ્ધા, વિશ્વાસ, કરૂણા અને અલ્લાહનાં નામે સંઘર્ષ).
ઉલ્લેખનીય છે કે, ડારેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડી.જી.એમ.ઓ) કક્ષાની ભારત અને પાકિસ્તાન વચ્ચે જે મંત્રણા યોજાવાની હતી, તેનો મૂળ સમય આજે બપોરનો હતો પરંતુ તે બદલીને હવે આજે સાંજે યોજાવાની છે. જે પાકિસ્તાનના ડી.જી.એમ.ઓ.ની વિનંતિથી નક્કી કરાયું છે. પરંતુ સમયના ફેરફાર અંગે કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી. આ મંત્રણામાં બંને દેશોના ડી.જી.એમ.ઓ. યુદ્ધ વિરામ પછીની વ્યવસ્થા અંગે વિચારણા કરનારા છે.