પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કાશ્મીરમાં સેનાનો ભયંકર જુલ્મ, યુ.કે. કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (UKPNP)નો ઉગ્ર વિરોધ
- પાકિસ્તાનના સ્વાતંત્ર દિન અને તેની પૂર્વ સંધ્યાથી જ વિદ્યાર્થી આંદોલન શરૂ થયું તેમાં નાગરિકો પણ જોડાયા, પાક. સેનાએ તે ક્રૂર રીતે કચડી નખાયો
ઝ્યુરિપ (સિત્ઝર્લેન્ડ) : ધી યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી (યુકેપીએનપી) એ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં રહેલાં રાવલ કોટમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ધરપકડ કરી તેમની ઉપર પાકિસ્તાન આર્મીએ ગુજારેલા ત્રાસની ઉગ્ર ટીકા કરી છે. ફેસબુક ઉપર કરેલાં પોસ્ટમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પર ગુજારાતા ત્રાસની વિગતો રજૂ કરતાં તેઓને તુર્ત જ મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. તેમાં જણાવ્યું છે તે સર્વે માત્ર મૂળભૂત માનવ અધિકારો માગી રહ્યા હતા. જેમાં અભિવ્યક્તિનો અધિકાર પણ સમાવિષ્ટ છે.
હક્કોની માગણીના સમર્થનમાં તેઓ રાવલ કોટ સ્થિત ન્યાયાલય સમક્ષ ધરણાં કરી રહ્યા હતા અને ન્યાયની માગણી કરી રહ્યા હતા.
આ માહિતી આપતાં યુ.કે.પી.એન.પી.ની વિદેશી બાબતો અંગેની સમિતિના અધ્યક્ષ નસીબ મસૂદે આ વિરોધી દેખાવોની શ્રૃંખલાબદ્ધ ઘટનાઓ જણાવી હતી તેઓએ કહ્યું કે પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિન ૧૪મી ઓગસ્ટ પહેલાં ૧૩મી ઓગસ્ટ અને પછી ૧૪મી ઓગસ્ટે તે વિદ્યાર્થીઓ અને યુવાનોએ સરઘસો યોજવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા તે પછી તેઓએ નારાબાજી શરૂ કરી હતી. ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ૪૧ની ધરપકડ કરી હતી. આ પછી દેખાવો વધી ગયા હતા. ૧૬મી ઓગસ્ટે સ્વતંત્રતા માગતા યુવાનો ઝનૂને ચઢ્યા હતા, અને ૧૯મી સુધીમાં તેમની માગણીઓ પૂરી કરવાનંન આખરી નામુ પણ આપી દીધું હતું. તેવામાં પૂંછ વિસ્તારમાં અચાનક પૂર આવતાં તેઓનું નેતૃત્વ લેનારાં પૂંછ યુનિવર્સિટીમાં અધ્યાપિકા તેમાં તણાઈ જતાં અચાનક દેખાવો થંભી ગયા હતા. આ પછી આજે ૨૯મી ઓગસ્ટથી દેખાવો શરૂ થયા છે. એવું માનવામાં આવે છે કે ગમે તેટલા જુલ્મ છતાં તે ૩૦મી ઓગસ્ટે પણ ચાલુ રહેશે. આમ પાકિસ્તાનનાં કબ્જા નીચેનાં કહેવાતાં આઝાદ કાશ્મીરમાં અશાંતિનો ચરૂ ઉકળી રહ્યો છે.