પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો, ક્વેટા જતી ટ્રેનને ટાર્ગેટ કરાઈ
Pakistan Train Attack : પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે. ગુરુવારે (24 જુલાઈ) ટ્રેનને ઉથલાવવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો છે. ધડાકાના કારણે ટ્રેનને એક કોચના આંશિક નુકસાન થયું છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે, વિસ્ફોટના કારણે કોઈપણ મુસાફરોને નુકસાન થયું નથી.
આતંકીઓએ રેલવે ફાટક બોંબથી ઉડાવી દીધો
સ્ટેશન માસ્ટર મુર્તલા ખાને સિબીમાં પત્રકારોને કહ્યું કે, ‘આતંકવાદીઓએ સિબી જિલ્લાના બખ્તિયારાબાદ અને ડંબોલી વિસ્તાર વચ્ચેના રેલવે ફાટકે બોંબથી ઉડાવી દીધો છે, જેના કારણે કરાંચીથી ક્વેટા જઈ રહેલી બોલન મેલ ટ્રેનને અસર થઈ છે. વિસ્ફોટના કારણે ટ્રેનના સાત નંબરના કોચને નુકસાન થયું છે.’ ઘટના બાદ બખ્તિયારાબાદ-ડંબોલી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો છે.’
વિસ્ફોટ બાદ જાફર એક્સપ્રેસ ટ્રેનો અટકાવાઈ
ઘટનાની જાણ થતાં જ સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે, રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ અહીં ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે. ઘટના બાદ પંજાબથી દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા મરાદ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ છે. જ્યારે એક દિવસ પહેલા રવાના થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા નજીક સિબી સ્ટેશન પર અટકાવી દેવાઈ છે.
માર્ચમાં જાફર એક્સપ્રેસ હાઈજેક કરાઈ હતી
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંત 11 માર્ચ-2025ના રોજ જાફર એક્સપ્રેસ (Jaffar Express) ટ્રેનને હાઈજેક કરવામાં આવી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા અને ઘણા લોકોના જીવ ગયા હતા. BLAના આતંકવાદીઓએ ટ્રેનના પાટા પર આઠ IED લગાવીને વિસ્ફોટ કર્યા હતા, જેના કારણે ટ્રેનની ફ્યુઅલ ટાંકીમાં આગ લાગી ગઈ હતી, જેના કારણે ટ્રેન અચાનક બંધ થઈ ગઈ અને તેના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. વિસ્ફોટ બાદ આતંકવાદીઓએ ટ્રેન પર ગોળીબાર કર્યો અને ટ્રેનને હાઈજેક કરી હતી. ટ્રેનમાં આશરે 450 મુસાફરો સવાર હતા, જેમાં સૈન્ય કર્મચારીઓ પણ સામેલ હતા. BLAએ સુરક્ષા કર્મચારીઓ સહિત 100થી વધુ મુસાફરોને બંધક બનાવી લીધા હતા. ઘટનામાં કુલ 64 લોકોના મોત થયા હતા, જેમાં તમામ 33 BLA આતંકવાદીઓ પણ હતા. મૃત્યુ પામેલાઓમાં 26 મુસાફરોમાંથી 18 સેના કે અર્ધલશ્કરી દળોના કર્મચારીઓ, 3 રેલવે કર્મચારીઓ અને 5 નાગરિક મુસાફરો હતા.
આ પણ વાંચો : સાઉથ આફ્રિકાના પ્રાઈવેટ ગેમ રિઝર્વમાં હાથીએ કચડી નાંખતા કરોડપતિ CEOનું મોત