ખૈબર-પખ્તુનવામાં યુદ્ધ જેવી સ્થિતિ
અંધાધૂંધ તોપમારાથી અનેક ઘરો નાશ પામ્યાં છે : મસ્જિદો ઊડી ગઈ છે ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીના નામે સેના નિર્બંધ વિનાશ વેરી રહી છે
પેશાવર: પાકિસ્તાન સેનાનો ત્રાસવાદીઓ વિરોધી કાર્યવાહી સામે ખૈબર-પખ્તુનવા પ્રાંત સ્થિત બિજૌર, લારાબાંદા, શાગી, કોસાર, જન્નતશાહ, ગાલોખાસ, ગૂરો અને આસપાસનાં વિસ્તારોમાં તેમજ બાજૌર તહેસીલમાં અનેક લોકો માર્ગો ઉપર આવી ગયા હતા અને પાકિસ્તાન સેનાના જુલ્મો સામે સરઘસો કાઢી નારાઓ લગાવ્યા હતા.
વિશ્વભરના સુશિક્ષિત દેશોમાં એક વણલખ્યો નિયમ છે કે, દેશની સેના કદી પોતાના દેશના નાગરિકો ઉપર કાર્યવાહી કરે નહીં. ભારતનું ઉદાહરણ લઈએ તો નકસલવાદીઓ કે ખૂંખાર ડાકુ વીરપ્પન સામે પણ કાર્યવાહી કરવાની સેનાએ 'ના' પાડતાં કહ્યું હતું કે, તેઓ અપરાધી છે પરંતુ દેશના નાગરિકો તો છે જ, તેમની સામે અમે કાર્યવાહી ન જ કરી શકીએ. જમ્મુ અને કાશ્મીરમાં તો પાકિસ્તાની ઘૂસણખોરો હોવાથી તેઓ વિદેશીઓ હોવાથી તેમની સામે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ.
પરંતુ પાકિસ્તાનને કોઈ સિદ્ધાંતો જ નથી. તેણે તો તેના જ દેશના નાગરિકો સામે અંધાધૂંધ તોપમારો જ શરૂ કરી દીધો છે.
ઈસ્લામાબાદ સ્થિત એક વર્તમાનપત્રે જણાવ્યું છે કે, સાહિબજાદા, હારૂન-અલ-રશીદના નેતૃત્વ નીચે બજૌર-અમન-જિર્ગાના કાર્યકરોએ પાકિસ્તાન સેનાની આ નૃશંસ કાર્યવાહીના વિરોધમાં કલાકો સુધી નેશનલ હાઈવે ઉપર ધરણાં કરી તે બંધ કરાવી દીધો હતો. કારણ કે બુધવારે રાત્રે પાકિસ્તાન સેનાએ કેટલાંએ ગામો ઉપર તોપમારો કરતાં લોકો ગભરાટના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા અને મોટી પર્વતીય શિલાઓની આડમાં છુપાઈ ગયા હતા. કોસર ગામમાં નાગરિકોનાં ઘરો તો નાશ પામ્યા જ હતા, પરંતુ ગામમાં રહેલી મસ્જીદ પણ જમીનદોસ્ત થઈ હતી. ગામની મહિલાઓ અને બાળકો બેબાકળાં બની ગયા હતા.
આ પછી ગુરૂવારે સવારે ઈમરાન ખાને સ્થાપેલી 'પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ' (પીટીઆઈ)ના નેતા ખલીલ-ઉર-રહેમાન, એ.એન.પી.ના નેતાઓ શાહ નાસીરખાન અને સૈયદ સાદિક અકબર જાને આ હુમલાઓને વખોડી કાઢ્યા હતા અને તેને સ્થાનિક લોકો તથા સત્તાવાળાઓ વચ્ચે થયેલી સમજૂતીના ભંગ સમાન ગણાવ્યા હતા.
હારૂન રશિદે તો આ તોપમારાને ઓગસ્ટ ૧૪ના કરારોના ખુલ્લા ભંગ સમાન ગણાવ્યા હતા. જેમાં સ્પષ્ટ સમજૂતી સંધાઈ હતી કે, આ તોપમારા કે અન્ય લશ્કરી કાર્યવાહીમાં નાગરિકોને નિશાન બનાવવામાં નહીં આવે છતાં તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.


