પાક સેના પ્રમુખ બાજવાએ ઈમરાન ખાનને લાફો મારી દીધો હતો? સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ
નવી દિલ્હી,તા.16 એપ્રિલ 2022,શનિવાર
પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ઈમરાન ખાનની ગયા સપ્તાહે જ વિદાય થઈ ગઈ છે.
વિપક્ષી પાર્ટીઓએ એક થઈને ઈમરાન ખાન સામે અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ કર્યુ હતુ. એવુ કહેવાય છે કે, પાક સેના સાથેના મતભેદો ઈમરાનના સત્તા પતનનુ કારણ બન્યા છે.
દરમિયાન હવે એવી વાતો વહેતી થઈ છે કે, અવિશ્વાસના પ્રસ્તાવ પર જે રાત્રે વોટિંગ થયુ ત્યારે ઈમરાન ખાનના ઘરે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને ઈમરાને તેમાં રાજીનામુ આપવાનો ઈનકાર કરી દીધો હતો.
સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, પાકિસ્તાની સેના પ્રમુખ બાજવાને ઈમરાને આ બેઠકમાં બરખાસ્ત કરી દીધા હતા અને તનાવ એટલે સુધી વધી ગયો હતો કે, બાજવાએ ઈમરાન ખાનને લાફો મારી દીધો હતો.
આ વાતની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે અને લોકો જાણવા માંગે છે કે, ખરેખર એ બેઠકમાં શું થયુ હતુ. જોકે વિદેશ નીતિના જાણકાર એ કે સિવાચે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, થપ્પડવાળી વાત અફવા હોઈ શકે છે પણ પાક સેના ઈમરાનના વિરોધમાં થઈ ગઈ હતી તે વાત સાચી છે.
તેમણે કહ્યુ હતુ કે, આઈએસઆઈના ડાયરેકટર જનરલ ઈમરાન ખાનને મળવા માટે ગયા હતા પણ એ પછી શું થયુ તે કહેવુ મુશ્કેલ છે. સેના અને ઈમરાન ખાન વચ્ચે મતભેદોનુ એક કારણ વિદેશ નીતિ પણ હોઈ શકે છે. કારણકે ઈમરાન ખાન રશિયાની નજીક જઈ રહ્યા હતા અને તે સેનાને પસંદ નહોતુ. પાકિસ્તાન અને અમેરિકન સેના વચ્ચે સબંધો બહુ સારા છે અને તે સબંધો પાક સેના યથાવત રાખવા માંગે છે.
તેની પાછળનુ એક કાણ એવુ પણ હોઈ શકે છે કે, પાક સેનાના ટોચના અધિકારીઓની ઘણી સંપત્તિ અમેરિકામાં છે.