અમેરિકા માટે ત્રણ દાયકા સુધી ગંદુ કામ કરતા રહ્યા: પાકિસ્તાને સ્વીકારી આતંકવાદીઓને પોષવાની વાત
Pakistan Khwaja Asif on Terrorist: પહલગામમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છે. તેમણે બ્રિટિશ મીડિયા સાથે વાત કરી.
પાકિસ્તાને આતંકવાદીઓને પોષવાની વાત સ્વીકારી
મીડિયા દ્વારા ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું હતું કે, 'શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?' જવાબમાં, આસિફે એક સનસનાટીભરી કબૂલાતમાં કહ્યું, 'હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમમાં બ્રિટન સહિત આ ગંદુ કામ કરી રહ્યા છીએ.'
ખ્વાજા આસિફે વધુમાં કહ્યું હતું, કે 'આ અમારી મોટી ભૂલ હતી. સોવિયત સંઘ વિરુદ્ધ યુદ્ધ અને અમેરિકામાં આતંકવાદી હુમલામાં અમે સામેલ ન હોત તો આજે અમારો રેકોર્ડ સારો હોત. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સોવિયત સંઘ સામે લડવા માટે આતંકવાદીઓનો 'પ્રોક્સી' તરીકે ઉપયોગ કર્યો.'
ભારત દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહીના સવાલ પર આસિફે કહ્યું છે, કે જો મોટો હુમલો થશે તો યુદ્ધ થશે.
પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે: ભારત
પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના આ નિવેદનથી ભારતનું વલણ મજબૂત બન્યું છે. ભારતે વૈશ્વિક મંચ પર હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.
પરંતુ પાકિસ્તાને આ નિવેદનમાં પોતાની આતંકવાદી નીતિઓ માટે અમેરિકાને દોષી ઠેરવતાં કહ્યું કે, 'અમે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો કારણ કે આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ હતો.'
પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, 'આ માટે પાકિસ્તાનને દોષ આપવો અયોગ્ય છે કારણ કે તે પશ્ચિમી દેશોના નિર્દેશો પર કામ કરી રહ્યું હતું.'
આ નિવેદનથી પાકિસ્તાનીઓ થયા ગુસ્સે
પાકિસ્તાનીઓ પણ તેમના નિવેદનથી ખુશ નથી. X પર એક યુઝરે લખ્યું, 'આ જોકર ખ્વાજા આસિફ ભારત વતી આંતરરાષ્ટ્રીય મીડિયામાં દેખાય છે અને સ્વીકારે છે કે અમે 30 વર્ષથી ગંદા કામ કર્યા છે. શું તેઓ ભારતનો પક્ષ લઈ રહ્યા છે કે પછી પાકિસ્તાનના સંરક્ષણમંત્રી બનીને પાકિસ્તાનનો બચાવ કરવા આવ્યા છે? આવા નાજુક સમયે પાકિસ્તાન માટે આ કેટલું શરમજનક નિવેદન છે!'
આ પણ વાંચો: ભારત વિરુદ્ધ 'ઓલ આઉટ વૉર' ની વાત કરનારા પાક. મંત્રી અમેરિકાની શરણે, જુઓ શું માગ કરી
લશ્કર પાકિસ્તાનમાં નથી - આસિફ
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા રેઝિસ્ટન્સ ફ્રન્ટે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે. 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ લશ્કરનો વડા છે અને હજુ પણ પાકિસ્તાનમાં રહે છે. પરંતુ ખ્વાજા આસિફે બેશરમીથી કહ્યું કે લશ્કર પાકિસ્તાનમાં નથી.
ખ્વાજા આસિફે દાવો કર્યો હતો કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એક એવું સંગઠન છે જેના વિશે ક્યારેય સાંભળ્યું નથી. એન્કરે તેમને યાદ અપાવ્યું કે ફ્રન્ટ લશ્કરનો એક ભાગ છે, જેના પર પાકિસ્તાની મંત્રીએ તેને જૂઠાણું ગણાવ્યું અને કહ્યું, 'લશ્કર એક જૂનું નામ છે. તે બિલકુલ અસ્તિત્વમાં નથી.'