'પાણી રોકવું એ યુદ્ધના આહ્વાન સમાન', ભારતના એક્શન બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર રોક લગાવી
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહરલગામમાં મંગળવારે (22 એપ્રિલે) ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ ભારત પાકિસ્તાન વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરી છે. ભારતે 1960 સિંધુ જળ સમજૂતી ખતમ કરવા સહિત અનેક પગલા ભર્યા છે, જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ભારતના નિર્ણયની અસર આખા પાકિસ્તાન પર પડી છે. આ જ ક્રમમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે (24 એપ્રિલ, 2025) એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક પણ બોલાવી હતી, જેમાં તેમણે ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં શાહબાજ સરકારે કહ્યું કે, પાણી રોકવું યુદ્ધ જેવી કાર્યવાહી છે.
પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું
પાકિસ્તાનના વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેઓએ ભારત આવતી અને જતી કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. શાહબાઝ સરકારના જણાવ્યા અનુસાર, હવે ભારતીય ફ્લાઇટ્સને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના અને રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાન નારાજ છે. આ ઉપરાંત સરકારે એમ પણ કહ્યું છે કે, યુદ્ધ રોકવું એ યુદ્ધ જેવી કાર્યવાહી છે..
પાકિસ્તાનની NSCની બેઠકમાં શું નિર્ણયો લેવાયા?
- પાકિસ્તાને સિંધુ જળ કરાર અટકાવવાના ભારતના નિર્ણયને નકાર્યો છે.
- NSCએ કહ્યું કે, કહ્યું કે, સિંધુ જળ કરાર એ વિશ્વ બેંકની મધ્યસ્થાથી કરેલી આંતરરાષ્ટ્રીય સંધી છે, જેને એકતરફથી સસ્પેન્ડ ન કરી શકાય.
- પાકિસ્તાને કહ્યું કે, જો ભારત પાણી રોકવાનો અથવા દિશા બદલવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે, જેનો અમે સંપૂર્ણ તાકાત સાથે જવાબ આપીશું.
- તેણે કહ્યું કે, અમે ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સસ્પેન્ડ કરી શકીએ છીએ, તેમાં શિમલા સમજૂતી કરાર પણ સામેલ છે.
- ભારતે અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવાનો નિર્ણય બાદ પાકિસ્તાને વાઘા બોર્ડરને તાત્કાલીક અસરથી બંધ કરી દીધી છે, માત્ર માન્ય પરવાનગી સાથે આવેલા લોકો 30 એપ્રિલ સુધી પાછા જઈ શકે છે.
- તેણે SAARC વિઝા યોજના હેઠળ તમામ ભારતીય નાગરિકોના વીઝા પણ રદ કર્યા છે. માત્ર શિખ શ્રદ્ધાળુઓને છૂટ આપી છે. જ્યારે અન્ય ભારતીયોને 48 કલાકમાં પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે.
- ઈસ્લામાબાદે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાના સલાહકારોને ‘અનિચ્છનીય વ્યક્તિ’ જાહેર કરી પાકિસ્તાન છોડવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન સ્થિત હાઈ કમિશનનો સ્ટાફ ઘટાડીને 30 કરી દીધો છે.
- પાકિસ્તાનું એરસ્પેસ ભારતની કોમર્શિયલ સહિતની તમામ ફ્લાઈટો માટે બંધ કરી દેવાયું છે.
- પાકિસ્તાને ભારત સાથેનો તમામ વેપાર વ્યવહાર ભલે તે ત્રીજા દેશનો રસ્તો હોય, તે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ભારતે ઉતાવળમાં નિર્ણય લીધો : ઈશાક ડાર
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક ડારે બુધવારે મોડી રાત્રે એક ખાનગી ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા ભારતના આ પગલાને ઉતાવળમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. પહેલગામ હુમલા પછી જેદ્દાહથી તાત્કાલિક પરત ફરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું નહીં અને અન્ય રસ્તેથી પસાર થયું હતું. આ પહેલા મંગળવારે (22 એપ્રિલ) જેદ્દાહ જતી વખતે વડાપ્રધાન મોદીનું વિમાન પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું હતું.
આ પણ વાંચો : એક એક આતંકવાદીને શોધીશું, કલ્પના નહીં કરી હોય તેવી સજા મળશે: PM મોદી
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતનો પાકિસ્તાનને જવાબ
ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 26 લોકોના મોત અને 17 લોકોને ઈજા થઈ હતી. આ કાયરતાપૂર્વકની અને ભયાનક ઘટના બાદ દેશભરમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં વિદેશમાં પણ હુમલાના પડઘા પડ્યા હતા. હુમલા બાદ સુરક્ષા દળો અનેક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. બીજીતરફ કેન્દ્ર સરકારે ગઈકાલે સિંધુ જળ સમજૂતી સહિતના મોટા મોટા નિર્ણય લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે.
ભારત અનેક નિર્ણય લઈ પાકિસ્તાનને આપ્યો ઝટકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક યોજાઈ હતી, ત્યારબાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. ભારતે ગઈકાલે અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરવાનો અને સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય લીધો હતો. આ ઉપરાંત તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કરવાનો અને SAARC હેઠળ પાકિસ્તાની નાગરિકોને મળેલી વિઝા છૂટ રદ કરી દીધી છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ, ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ કરવાનો અને તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને ભારત છોડવા આદેશ અપાયો છે. ભારત પણ પોતાના સલાહકારોને પરત બોલાવશે. ભારતે ઉચ્ચાયુક્તોની કુલ સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય પણ લીધો છે.
આ પણ વાંચો : ભારતમાં રોકાયેલા તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ, માત્ર 3 દિવસનો સમય