Oxfam Report | માનવાધિકાર જૂથ ઓક્સફેમ ઇન્ટરનેશનલના નવા રિપોર્ટે વિશ્વમાં વધતી આર્થિક અને રાજકીય અસમાનતાની ભયાવહ તસવીર રજૂ કરી છે. 'રેઝિસ્ટિંગ ધ રૂલ ઓફ ધ રિચ' નામના આ રિપોર્ટ અનુસાર, દુનિયામાં પહેલીવાર અબજોપતિઓની સંખ્યા 3000ને પાર કરી ગઈ છે, જ્યારે ઈલોન મસ્ક વિશ્વના પ્રથમ એવા વ્યક્તિ બન્યા છે જેમની વ્યક્તિગત સંપત્તિ અડધા ટ્રિલિયન ડોલર (500 અબજ ડોલર)ને વટાવી ગઈ છે. આ સ્થિતિ ત્યારે છે, જ્યારે વિશ્વમાં દર 4માંથી 1 વ્યક્તિ પાસે ખાવા માટે પૂરતું ભોજન પણ નથી.
સંપત્તિમાં 81%નો ઉછાળો, ગરીબી 26 વાર ખતમ થઈ શકે
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, વર્ષ 2025 અબજોપતિઓ માટે અત્યાર સુધીનું સૌથી સફળ વર્ષ રહ્યું છે. તેમની કુલ સંપત્તિ વધીને રેકોર્ડ 18.3 ટ્રિલિયન ડોલર (આશરે 1,660 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે. 2020 પછી અબજોપતિઓની સંપત્તિમાં 81%નો જંગી વધારો થયો છે. માત્ર છેલ્લા એક વર્ષમાં જ તેમની સંપત્તિ 2.5 ટ્રિલિયન ડોલર વધી છે, જે એટલી મોટી રકમ છે કે તેનાથી વિશ્વમાંથી અત્યંત ગરીબીને 26 વખત ખતમ કરી શકાય છે. ભારતમાં પણ સ્થિતિ ગંભીર છે, જ્યાં દેશના ટોચના 1% અમીરો પાસે કુલ રાષ્ટ્રીય સંપત્તિનો લગભગ 40% હિસ્સો છે.
પૈસા જ નહીં, રાજનીતિ પર પણ અબજોપતિઓનો કબ્જો
ઓક્સફેમનો રિપોર્ટ માત્ર આર્થિક જ નહીં, પણ રાજકીય અસમાનતા પર પણ પ્રકાશ પાડે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક અબજોપતિના નેતા બનવાની સંભાવના સામાન્ય માણસની તુલનામાં 4000 ગણી વધારે છે. સર્વેમાં સામેલ 66 દેશોમાંથી લગભગ અડધા લોકો માને છે કે તેમના દેશમાં અમીર લોકો ચૂંટણી ખરીદી લે છે. આ ઉપરાંત, વિશ્વની અડધાથી વધુ મોટી મીડિયા કંપનીઓ અને લગભગ તમામ મુખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (જેમ કે X, વોશિંગ્ટન પોસ્ટ) પર અબજોપતિઓનો માલિકી હક છે.
વધતી અસમાનતા અને સરકાર વિરોધી પ્રદર્શનો
આ વધતી અસમાનતાને કારણે નાગરિક સ્વતંત્રતા અને રાજકીય અધિકારોને દબાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે 68 દેશોમાં 142થી વધુ મહત્વપૂર્ણ સરકાર વિરોધી પ્રદર્શનો થયા, જેનો અધિકારીઓએ સામાન્ય રીતે હિંસાથી જવાબ આપ્યો.
ઓક્સફેમ દ્વારા ભારતીય અનામત પ્રણાલીની પ્રશંસા
આ રિપોર્ટમાં, ઓક્સફેમે ભારતીય અનામત પ્રણાલીને સામાન્ય લોકોને રાજકીય રીતે સશક્ત બનાવવાની દિશામાં પ્રગતિનું એક મજબૂત ઉદાહરણ ગણાવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે SC, ST અને અન્ય વંચિત સમૂહો માટે રાજકીય અનામત, આર્થિક રીતે વંચિત સમુદાયોને આગળ વધવાની તક પૂરી પાડે છે.
"આર્થિક ગરીબી ભૂખ અને રાજકીય ગરીબી ગુસ્સો પેદા કરે છે"
ઓક્સફેમના કાર્યકારી નિયામક, અમિતાભ બેહરે જણાવ્યું, "અમીરો અને બાકીના લોકો વચ્ચે વધતી ખાઈ એક રાજકીય ખામી પેદા કરી રહી છે, જે ખૂબ જ ખતરનાક અને અસ્થિર છે. આર્થિક ગરીબી ભૂખ પેદા કરે છે, પરંતુ રાજકીય ગરીબી ગુસ્સો પેદા કરે છે."
વિશ્વના ટોચના-3 અબજોપતિ (જાન્યુઆરી, 2026 સુધી)
ઈલોન મસ્ક: 727 અબજ ડોલર (ટેસ્લા, સ્પેસએક્સ, એક્સ)
લેરી પેજ: 263 અબજ ડોલર (ગૂગલ (આલ્ફાબેટ))
જેફ બેઝોસ: 251 અબજ ડોલર (એમેઝોન)
ભારતના ટોચના-3 અમીર (જાન્યુઆરી, 2026 સુધી)
મુકેશ અંબાણી: 104.6 અબજ ડોલર (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
ગૌતમ અદાણી: 89.6 અબજ ડોલર (અદાણી ગ્રુપ)
સાવિત્રી જિંદાલ: 40.2 અબજ ડોલર (ઓપી જિંદાલ ગ્રુપ)


