જંગલ કપાવાથી 20 વર્ષમાં 5 લાખથી વધુના મોત, 3 ડિગ્રી સુધી તાપમાન પણ વધ્યું: રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI Images |
Deforestation: જંગલો કાપવાના કારણે પર્યાવરણને મોટું નુકસાન પહોંચે છે અને માનવ જીવન માટે પણ સીધો ખતરો છે. એક રિપોર્ટ અનુસાર, છેલ્લા 20 વર્ષોમાં (વર્ષ 2001-2020) ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જંગલો કાપવાથી અંદાજે 5 લાખથી વધુ લોકો ગરમી સંબંધિત બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત 3 ડિગ્રી સુધી તાપમાનમાં પણ વધારો નોંધાયો છે.
જંગલો કાપવાથી જોખમ વધે છે
બ્રાઝિલ, ઘાના અને બ્રિટનના વૈજ્ઞાનિકોએ સાથે મળીને પર્યાવરણ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર, જંગલો કાપવાથી તાપમાનમાં વધારો થયો છે. જંગલોને પૃથ્વીના ફેફસાં કહેવામાં આવે છે કારણ કે તે કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન આપે છે. આ ઉપરાંત હવામાનનું સંતુલન જાળવી રાખે છે. પરંતુ જ્યારે જંગલો મોટા પાયે કાપવામાં આવે છે, ત્યારે આ સંતુલન બગડી જાય છે. જંગલો કાપવાથી વરસાદમાં ઘટાડો નોંધાય છે. આગ લાગવાનું જોખમ વધે છે અને તાપમાનમાં ઝડપથી વધારો થાય છે, જે માનવ જીવન માટે ઘાતક સાબિત થાય છે. જ્યારે જંગલો વિનાના વિસ્તારોમાં 3 ડિગ્રી સુધી તાપમાનમાં પણ વધારો થયો છે.
રિપોર્ટમાં ચોંકાવનારા પરિણામો સામે આવ્યા
આ રિપોર્ટમાં વર્ષ 2001થી 2020 સુધીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેના પરિણામો ખૂબ જ ચોંકાવનારા હતા, જંગલો કાપવાના કારણે વધતી ગરમીથી લગભગ 34.5 કરોડ લોકો પ્રભાવિત થયા હતા. આમાંથી 26 લાખ લોકોને સ્થાનિક સ્તરે લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારાની ગરમી સહન કરવી પડી હતી.
વધુ પડતી ગરમીના કારણે દર વર્ષે સરેરાશ 28,330 લોકો મૃત્યુ પામે છે. છેલ્લા 20 વર્ષમાં કુલ પાંચ લાખ જેટલા મૃત્યુ નોંધાયા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જંગલો કાપવા પર્યાવરણીય સમસ્યાની સાથે તે સ્વાસ્થ્ય અને જીવન માટે સીધો ખતરો પણ છે.
આ પણ વાંચો: જમ્યા બાદ ચાવી લો આ પાંદડું, પેટ રહેશે સ્વસ્થ અને વજન પણ ઘટશે
કયા પ્રદેશો સૌથી વધુ પ્રભાવિત છે?
રિપોર્ટ અનુસાર, આ મૃત્યુ બધા ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં નોંધાય છે. દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી વધુ મૃત્યુ (50 ટકાથી વધુ) નોંધાયા છે. કારણ એ છે કે આ પ્રદેશમાં વસ્તી ખૂબ જ ગીચ છે અને મોટી સંખ્યામાં લોકો ગરમીમાં રહે છે. લગભગ એક તૃતીયાંશ મૃત્યુ ઉષ્ણકટિબંધીય વિસ્તાર આફ્રિકામાં થયા હતા. જ્યારે મધ્ય અને દક્ષિણ અમેરિકા અને એમેઝોન જેવા વિસ્તારોમાં મૃત્યુ નોંધાય છે, જ્યાં જંગલો કાપવાનું સતત ચાલુ રહે છે.
સંશોધન કેવી રીતે હાથ ધરવામાં આવ્યું?
વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ ડેટા અને હવામાન રેકોર્ડનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત જંગલો કાપવામાં આવેલા વિસ્તારોમાં તાપમાન અને બિન-આકસ્મિક મૃત્યુનો ડેટા એકત્રિત કર્યો. ત્યારબાદ તેની સરખામણી એવા વિસ્તારો સાથે કરી જ્યાં જંગલો સુરક્ષિત હતા. પરિણામ સ્પષ્ટ હતું કે જ્યાં જંગલો કાપવામાં આવ્યા હતા, ત્યાં તાપમાન વધુ વધ્યું અને મૃત્યુ પણ વધ્યા છે.
વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, 'જંગલો કાપવાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ ફક્ત વૈશ્વિક આબોહવા પરિવર્તન પર ચર્ચા નથી, પરંતુ સ્થાનિક લોકોના જીવનનો મુદ્દો છે. બ્રાઝિલના માટો ગ્રોસો વિસ્તારમાં સોયાબીનની ખેતી કરવા માટે મોટા પાયે જંગલો કાપવામાં આવી રહ્યા છે. ત્યાંના ખેડૂતો હવે એમેઝોનમાં વધુ જમીન ખાલી કરવાની માંગ કરી રહ્યા છે. જો જંગલો બચાવવામાં આવે, તો લોકોને ઓછી ગરમીનો સામનો કરવો પડશે, કૃષિ ઉપજ વધશે અને લોકો સુરક્ષિત રહેશે.'









