Get The App

ન્યાયતંત્રએ એપસ્ટિન ફાઈલને વેબસાઈટ પર મૂક્યાના 24 કલાકમાં 16 ફાઈલો એકાએક ગુમ થતા હોબાળો

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
ન્યાયતંત્રએ એપસ્ટિન ફાઈલને વેબસાઈટ પર મૂક્યાના 24 કલાકમાં 16 ફાઈલો એકાએક ગુમ થતા હોબાળો 1 - image


ભારતમાં જ નહીં અમેરિકામાં પણ આવું થાય છે !!

ગાયબ તસવીરમાં ટ્રમ્પ, મેલાનિયા, એપસ્ટિન, ઘેસ્લિન એક સાથે હતા : નગ્ન મહિલાઓની કલાકૃતિઓની તસવીરો પણ ગુમ થઈ

વોશિંગ્ટન: અમેરિકામાં સગીરા અને મહિલાઓને નેતાઓ, હોલિવૂડ કલાકારો, ઉદ્યોગપતિઓ સહિત અતિધનિકો માટે વેશ્યાવૃત્તિમાં ધકેલવાના ગુનામાં દોષિત જેફરી એપસ્ટિન સંબંધિત ફાઈલો લાંબા સમયથી સરકારી તિજોરીઓમાં કેદ હતી, જેને જાહેર કરવાની આખરે ટ્રમ્પ સરકારને ફરજ પડી છે. જોકે, આ દસ્તાવેજોમાં ૧૬ ફાઈલો ન્યાય વિભાગની વેબસાઈટ પરથી ગાયબ થઈ ગઈ છે, તેમાં કેટલીક ફાઈલો પ્રમુખ ટ્રમ્પની તસવીરોની હોવાનો પણ દાવો કરાયો છે ત્યારે અમેરિકામાં આ મુદ્દે ભારે હોબાળો મચ્યો છે. જોકે, એપસ્ટિનની તસવીરોમાં ભારત સંબંધિત કોઈ તસવીર નહોતી, જેની અગાઉ ભારતીય મીડિયામાં ચર્ચા થતી હતી.

અમેરિકન ન્યાય વિભાગે કોંગ્રેસ દ્વારા પસાર કરાયેલા એપસ્ટિન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ લાખો પાનાના દસ્તાવેજ અને હજારો ફોટો શુક્રવારે જાહેર કર્યા હતા. જેફરી એપસ્ટિનની તપાસમાં એકત્ર કરાયેલા લાખો દસ્તાવેજોમાં તપાસના રેકોર્ડ, સાક્ષીઓની જુબાની, ફ્લાઈટ લોગ્સ, ફોટોગ્રાફ્સ અને અન્ય રેકોર્ડનો સમાવેશ થાય છે.

સૂત્રોએ દાવો કર્યો છે કે જે ૧૬ ફાઈલો ગાયબ થઈ છે તે શુક્રવારે ન્યાય વિભાગની સાર્વજનિક વેબસાઈટ પર અપલોડ કરાઈ હતી, પરંતુ આ ફાઈલો ૨૪ કલાકમાં જ શનિવારે સામાન્ય લોકોના એક્સેસમાંથી હટાવી દેવાઈ હતી. ગાયબ થયેલી ફાઈલોમાં એવી તસવીરો હતી, જેમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, જેફરી એપસ્ટિન અને ઘિસ્લેન મેક્સવેલ એક સાથે દેખાતા હતા.

આ સિવાય ગાયબ થયેલી કેટલીક તસવીરોમાં નગ્ન મહિલાઓની કલાકૃતિઓની તસવીરો અને ફર્નિચર તથા ખાનાઓમાં રખાયેલી અનેક તસવીરોના એક કોલાજનો પણ સમાવેશ થાય છે. જોકે, અમેરિકાના ન્યાય વિભાગગે હજુ સુધી એ સ્પષ્ટ નથી કર્યું કે, આ ફાઈલોને ઈરાદાપૂર્વક હટાવાઈ છે અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે વેબસાઈટ પર જોવા મળતી નથી.

ન્યાય વિભાગની વેબસાઈટ પરથી ફાઈલો ગાયબ થયા પછી સોશિયલ મીડિયા પર અનેક અટકળો થવા લાગી છે. અમેરિકન સંસદની હાઉસ ઓવરસાઈટ કમિટિના ડેમોક્રેટ સભ્યોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર ટ્રમ્પની તસવીર ગાયબ થવા અંગે સવાલ ઉઠાવ્યા અને સવાલ કર્યો કે ન્યાય વિભાગ શું છુપાવી રહ્યો છે? અમેરિકન જનતાને પારદર્શિતા જોઈએ છે.

ન્યાય વિભાગે અત્યાર સુધીમાં જાહેર કરેલી તસવીરોમાં એપસ્ટિનના ન્યૂયોર્ક શહેર અને વર્જિન ટાપુ સમૂહના ઘરોની તસવીરો મુખ્યત્વે દર્શાવાઈ છે. સાથે અનેક તસવીરોમાં ખ્યાતનામ સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ છે. આ તસવીરોમાં અગાઉ ક્યારેય જોવા ન મળેલી પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનની તસવીરો પણ છે, પરંતુ ટ્રમ્પની તસવીરો બહુ ઓછી હતી.

દરમિયાન એપસ્ટિનની જાહેર કરાયેલી તસવીરોમાં ભારત સંબંધિત કોઈ તસવીર નહોતી. અગાઉ ભારતીય મીડિયામાં એવી ચર્ચા થતી હતી કે, ભારતના કેટલાક ટોચના નેતાઓ, ઉદ્યોગપતિઓની તસવીરો પણ ૧૯ ડિસેમ્બરે જાહેર થવાની શક્યતા છે અને આ તસવીરો ભારતીય નેતાઓ માટે શરમજનક હશે. એપસ્ટિનના ગુના અથવા આઈલેન્ડમાંથી કોઈપણ ભારતીય નેતા કે ઉદ્યોગપતિની તસવીરો સામે આવી નથી.