ભારત સાથેના સંબંધો સુધારવા અમેરિકી સાંસદોના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર

- 'ભારતીય માલ ઉપર અસામાન્ય ટેરિફ લાદવામાં આવતા ભારતને તો નુકસાન થશે જ પરંતુ અમેરિકી વપરાશકારોને પણ તેથી નુકસાન થશે'
વોશિંગ્ટન : અમેરિકાના રીપબ્લિકન તેમજ ડેમોક્રેટ તેમના બંને પક્ષોના સાંસદોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર લખી ભારત સાથે સંબંધો સુધારવા અનુરોધ કર્યો છે.
ભારતે રશિયા પાસેંથી ઓછા દરે મળી શકતું ક્રૂડ ખરીદવાના પ્રશ્ને, ભારતીય માલ ઉપરના ૨૫ ટકા ટેરિફ વત્તા, ૨૫ ટકા દંડાત્મક ટેરિફ લગાડી કુલ ૫૦ ટકા ટેરિફ લગાડયો છે. તે ઉપરાંત ફાર્મા પ્રોડકટસ ઉપર ૧૦૦ ટકા ટેરિફ લગાડતા અમેરિકામાં દરેક ભારતીય માલ મોંઘો બન્યો છે. આથી રેપ્રિઝેન્ટેટિવ ડેબોરાહ કે. રોસ્સ, રાઓ ખન્ના, બ્રેડ શર્મન, રાજા ક્રિષ્ણમૂર્તિ, પ્રમીલા જયપાલ અને ફ્રેન્ક મેલોન (જુ.) સહિત કેટલાયે સાંસદોએ તે પત્ર ઉપર હસ્તાક્ષરો કર્યા હતા. તેમાં તેઓએ જણાવ્યું હતું કે આથી અમેરિકાના નાગરિકો ઉપર પણ બોજો વધશે. તો બીજી તરફ ભારત-અમેરિકાના આર્થિક સંબંધો બગડતાં, રાજકીય સંબંધો પણ બગડશે.
વાસ્તવમાં અમેરિકામાં વિદેશ વસાહતીઓ પૈકી ભારતીય વસાહતીઓ સૌથી વધુ સંખ્યામાં છે. તેથી અમેરિકામાં આંતરિક રાજકારણમાં પણ આ ટેરિફ વધારાની સીધી અસર પડવા પૂરો સંભવ છે.
આ સાથે આ સાંસદોએ વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન દોરતાં તે પત્રમાં લખ્યું હતું કે,
'છેલ્લા ૨૫ વર્ષથી સતત પ્રયત્નો દ્વારા ભારત અમેરિકાના સંબંધો મજબૂત બનાવાયા છે, તે હવે ઢીલા થઈ જશે. સાથે તે પણ ભૂલવું ન જોઈએ કે ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાઈ ક્વોડની રચનામાં મહત્વનો ફાળો આપે છે. ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતનું મહત્વ ઘણું છે. માટે, ભારત સામેની ટેરિફ-વોર બંધ કરવા તમોને અનુરોધ કરીએ છીએ. સાથે સંબંધો સુધારવા પણ જણાવીએ છીએ.'








