- પાકિસ્તાનની લઘુમતિઓની સંસદીય સમિતિના સભ્ય રમેશ વાંકવાણીએ લઘુમતિ બોર્ડનું અધ્યક્ષ પદ બિન મુસ્લિમને આપવા જણાવ્યું
ઇસ્લામાબાદ : પાકિસ્તાન પાર્લામેન્ટરી કમિટી ઓન માઇનોરોટી કોક્સ દ્વારા તાજેતરમાં એક આંચકાજનક અહેવાલ રજૂ કર્યો છે. તેમાં જણાવ્યું છે કે દેશમાં ૧૯૪૭માં ૧૮૧૭ હિન્દુ મંદિરો અને ગુરૂદ્વારાઓ હતાં. તેમાંથી અત્યારે માત્ર ૩૭ બચ્યા છે. આ સાથે તે અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, દેશમાંથી હિન્દુઓ અને શિખોની સંખ્યા સતત ઘટતી રહી છે. બીજી તરફ તે સમયથી જર્જરિત થઇ ગયેલા મંદિરો કે ગુરૂદ્વારાઓના સમારકામ પ્રત્યે પણ સંપૂર્ણ દુર્લક્ષ સેવે છે. તેથી તત્કાળ સંવૈધાનિક અને કાનુની સુધારા કરવા અનિવાર્ય છે.
આ સમિતિની સેશનના પહેલા જ દિવસે તે સેશન બોલાવનાર સેનેટર દાનેશ કુમારે કહ્યું હતું કે આ સમિતિએ ખરા અર્થમાં તે મંદિરો અને ગુરૂદ્વારાઓના રક્ષણ માટે પગલા લેવા જોઈએ. પાકિસ્તાનમાં લઘુમતિઓના સંવૈધાનિક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે. તેઓને સંવૈધાનિક રીતે જ ન્યાય મેળવવાનો અને સમાનતાનો અધિકાર છે જ.
જયારે લઘુમતિઓ સમિતિના સભ્ય ડો. રમેશ કુમાર વાંકવાણીએ ઇવેકયુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઇટીપીબી)ની નિષ્ફળતાઓ દર્શાવતાં કહ્યું હતું કે મંદિરો અને ગુરુદ્વારાઓનાં સમારકામ તથા તેની સારી વ્યવસ્થા અનિવાર્ય છે. પરંતુ તેનું અધ્યક્ષપદ કોઈ બિન મુસ્લિમને આપવું જોઈએ.


