Get The App

ટ્રમ્પના આ નિવેદનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું! નાટોથી લઈને પનામા, ગ્રીનલેન્ડ અંગે કડક સંદેશો

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પના આ નિવેદનોએ દુનિયાનું ટેન્શન વધાર્યું! નાટોથી લઈને પનામા, ગ્રીનલેન્ડ અંગે કડક સંદેશો 1 - image


Donald Trump second term : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સમક્ષ પોતાના એક વર્ષના કામો ગણાવ્યા હતા. સાથે જ રશિયા, યુક્રેન, ગ્રીનલેન્ડ તથા નાટો મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. નોંધનીય છે કે છેલ્લા 1 વર્ષમાં ડોનાલ્ડ ટ્રમ્પના એક બાદ એક અનેક નિર્ણયોથી દુનિયાભરના દેશોમાં ઉથલપાથલ મચી છે. પહેલા ટેરિફ નીતિ અને પછી દેશો પર કબજો કરવાની નીતિના કારણે હવે તો અમેરિકાના સાથી દેશોનું પણ ટેન્શન વધી રહ્યું છે. અમેરિકાએ જ બનાવેલું નાટો તૂટી જશે તેવી પણ ઘણા વિશ્લેષકોને આશંકા છે. 

નાટો અંગે મોટું નિવેદન

ટ્રમ્પે કહ્યું છે કે, મેં નાટો માટે સૌથી વધુ યોગદાન આપ્યું છે. અમેરિકા નાટોની મદદ કરશે, પણ શું બીજો કોઈ દેશ અમેરિકાની મદદ કરે છે? જો અમે નાટોમાં નહીં હોઈએ, તો તે બિલકુલ મજબૂત નહીં રહે. 

રશિયા યુક્રેન વચ્ચે શાંતિ ક્યારે? 

રશિયા યુક્રેન અંગે ટ્રમ્પે કહ્યું કે, રશિયા તૈયાર થાય ત્યારે યુક્રેન નથી માનતું અને યુક્રેન કોઈ ડીલ માટે તૈયાર થાય ત્યારે રશિયા કોઈ બીજી શરત મૂકે છે. અસમંજસની સ્થિતિના કારણે શાંતિના પ્રયાસોમાં પ્રગતિ નથી આવી રહી. 

મારી ઓફરથી ગ્રીનલેન્ડ પણ ખુશ થઈ જશે: ટ્રમ્પ

અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો કરવા માંગે છે. જેનો ડેન્માર્ક સહિતના યુરોપના દેશો વિરોધ કરી રહ્યા છે. હાલમાં જ ગ્રીનલેન્ડમાં પણ હજારો લોકોએ રસ્તા પર ઉતરી અમેરિકાનો વિરોધ કર્યો હતો. જે અંગે જવાબ આપતા ટ્રમ્પે કહ્યું છે કે, ગ્રીનલેન્ડ સાથે સીધી વાતચીત કરવાનો મને મોકો જ નથી મળ્યો. એકવાર હું વાત કરીશ પછી તો ખુશ થઈ જશે. 

ઈરાન અંગે મોટું નિવેદન

ઈરાન અંગે ટ્રમ્પે કહ્યું કે, ઈરાનમાં 837 લોકોને ફાંસી આપવાની તૈયારી હતી. અમે ઈરાનની સરકારને ચેતવણી આપી કે જો તમે આ લોકોને ફાંસી આપી તો તમારા માટે ખરાબ દિવસો શરૂ થશે. તે પછી તેમને તે નિર્ણય રદ કર્યો. ઈરાનનું ભવિષ્ય શું હશે તે હું તમને ન બતાવી શકું. 

પનામા પર પણ અમેરિકાનું નિયંત્રણ રહેશે? 

નોંધનીય છે કે ગયા વર્ષે ટ્રમ્પે પનામા નહેર પર પણ કબજાની વાત કરી હતી.  જે અંગે સવાલ કરાયો તો તેમને કહ્યું કે, આ અંગે હું અત્યાર તમને બતાવી શકું તે સ્થિતિમાં નથી. 

નોબેલ શાંતિ પુરસ્કારને લઈને ગંભીર આરોપ

ટ્રમ્પની નોબેલ શાંતિ પુરસ્કારની અંગેની ઈચ્છા પણ જગજાહેર છે. તેઓ વારંવાર આ પુરસ્કાર ખુલ્લા મંચથી માંગી ચૂક્યા છે. એવામાં હવે તેમનો આરોપ છે કે નૉર્વે શાંતિ પુરસ્કાર પર ત્યાંની સરકારનું નિયંત્રણ છે.