Zapad 2025 Russia-Belarus military exercises: રશિયા અને બેલારૂસના એક લાખથી વધુ સૈનિકોએ સંયુક્ત સૈન્ય અભ્યાસ "ઝાપડ 2025"માં ભાગ લીધો હતો. જેની રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનએ અચાનક મુલાકાત લીધી હતી. આ કવાયત 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન બેલારુસ અને રશિયામાં નાટો સરહદો નજીક યોજાઈ હતી. આ કવાયતમાં એક લાખથી વધુ સૈનિકો સામેલ હતા. આટલા મોટાપાયે હાથ ધરવામાં આવેલી આ કવાયતે નાટો દેશોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે, ખાસ કરીને પોલેન્ડમાં રશિયન ડ્રોન તોડી પાડ્યા બાદ હાથ ધરાયેલી આ કવાયત નવા દેશ પર હુમલાની તૈયારીનો સંકેત આપે છે.
શું છે ઝાપડ 2025?
'ઝાપડ' નો રશિયનમાં અર્થ 'પશ્ચિમ' થાય છે. આ રશિયા અને બેલારુસ વચ્ચે દર ચાર વર્ષે યોજાતી એક મોટી સંયુક્ત લશ્કરી કવાયત છે. તેનો હેતુ બંને દેશોના 'યુનિયન સ્ટેટ' ની સંરક્ષણ ક્ષમતાઓનું પરીક્ષણ કરવાનો છે. આ કવાયતમાં, સૈનિકો હુમલાને પાછો ખેંચવા, ગુમાવેલા પ્રદેશને પાછો મેળવવા અને સરહદોનું રક્ષણ કરવાની પ્રેક્ટિસ કરે છે. આ કવાયતમાં ટેન્ક, ફાઇટર જેટ, અટેક હેલિકોપ્ટર, ડ્રોન, ક્રુઝ મિસાઇલ અને સબમરીનનો સમાવેશ થયો હતો. રશિયાએ બેરેન્ટ્સ સમુદ્રમાં ક્રુઝ મિસાઇલ લોન્ચનો અભ્યાસ કર્યો હતો. બેલારુસના સંરક્ષણ મંત્રી વિક્ટર ખ્રેનિને આ અંગે જણાવ્યું હતું કે, આ કવાયત 'યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં' થશે.
રશિયા-યુક્રેન યુદ્ધ બાદ પ્રથમ સૈન્ય કવાયત
રશિયા અને યુક્રેન વચ્ચે 2022માં શરૂ થયેલા યુદ્ધ બાદ આ પહેલી ઝાપડ કવાયત છે. અગાઉ 2021માં યોજાયેલી કવાયતમાં આશરે બે લાખ સૈનિકોએ ભાગ લીધો હતો. જોકે હાલ યોજાયેલી 2025ની કવાયત નાનાપાયે રહી હતી. જેમાં બેલારુસના સત્તાવાર રીતે 13,000 સૈનિકો (2,000 રશિયન સહિત) અને રશિયા તરફથી કુલ 30,000 સૈનિકો સામેલ થયા હોવાનો અહેવાલ આપ્યો હતો. જ્યારે પુતિને જણાવ્યા પ્રમાણે કુલ 1 લાખ સૈનિકોએ ભાગ લીધો હતો. આ કવાયત બેલારુસના બોરીસોવ ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને રશિયાના કાલિનિનગ્રાડ પ્રદેશમાં થઈ હતી.
નાટો અને પડોશી દેશો એલર્ટ મોડમાં
આ કવાયતથી નાટોના પૂર્વીય સભ્ય દેશો હાઇ એલર્ટ પર છે. ગયા અઠવાડિયે પોલેન્ડમાં એક રશિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હતું. પોલેન્ડે તેને 'આક્રમકતા' ગણાવી. પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્કે સરહદ બંધ કરવાની જાહેરાત કરતા કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર હુમલો થયો છે. પોલેન્ડે 40,000 સૈનિકો તૈનાત કર્યા છે. લિથુઆનિયા, લાટવિયા અને એસ્ટોનિયાએ હવાઈ ક્ષેત્ર પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. નાટોએ વધારાના જેટ મોકલ્યા છે. પોલેન્ડના ગૃહ મંત્રી માર્સિન કિરવિન્સ્કીએ કહ્યું કે જ્યારે જોખમ નથી તેની ખાતરી થશે, ત્યારે સરહદ ફરીથી ખોલવામાં આવશે. બેલારુસે પોલેન્ડ પર જાસૂસીનો આરોપ લગાવ્યો, જેનાથી તણાવ વધ્યો છે.
શું કોઈ નવો હુમલો કરવાની યોજના?
પ્રશ્ન એ છે કે શું આ કવાયત કોઈ નવા દેશ પર હુમલો કરવાની યોજના છે? રશિયા અને બેલારુસ કહે છે કે તે રક્ષણાત્મક છે અને ત્રીજા દેશ સામે નથી. પરંતુ પશ્ચિમી નિષ્ણાતો ચિંતિત છે. CEPA થિંક ટેન્ક અનુસાર, ઝાપડ હંમેશા તણાવ વધારવા અને લશ્કરી તૈયારીઓ છુપાવવાનું એક માધ્યમ રહ્યું છે. 2021 ની કવાયત બાદ યુક્રેન યુદ્ધ શરૂ થયુ હતું. ચેથમ હાઉસના વિશ્લેષકો કહે છે કે યુક્રેન યુદ્ધને કારણે રશિયાની ક્ષમતાઓ મર્યાદિત છે, તેથી આ કવાયત નાની છે. પરંતુ તાકાત બતાવવા અને યુક્રેન શાંતિ મંત્રણામાં લાભ મેળવવાનો એક માર્ગ હોઈ શકે છે. CNN અનુસાર, નાટોને ડર છે કે રશિયા ડ્રોન અને મિસાઇલોથી ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે અલ જઝીરાએ અહેવાલ આપ્યો છે કે યુક્રેન પર રશિયાના હુમલાઓ વચ્ચે આ કવાયત થઈ રહી છે. પોલેન્ડ જેવા દેશો માને છે કે રશિયા નાટોના ધીરજની કસોટી કરી રહ્યું છે. જોકે, નવા હુમલાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાના કોઈ નક્કર પુરાવા નથી. રશિયાએ કહ્યું છે કે તે પૂર્વ આયોજિત હતું. જોકે, નાટો સર્તક બન્યું છે.


