વિશ્વના 100 કરોડ લોકો માનસિક રોગથી પીડિત! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટનું તારણ
Schizophrenia News: વર્ષ 2021માં સમગ્ર વિશ્વમાં એક અબજથી વધુ લોકો એટલે કે દર સાતમાંથી એક વ્યકિત માનસિક આરોગ્યની સમસ્યાઓ સાથે જીવી રહ્યાં હતાં. જેમાં ચિંતા અને ડિપ્રેસિવ ડિસઓર્ડરના કેસો કુલ કેસોના બે તૃતિયાંશ હતાં, તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ જણાવ્યું છે કે, આ પ્રકારની સમસ્યાઓથી મોટાપાયે માનવીય અને આર્થિક નુકસાન થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના વર્લ્ડ મેન્ટલ હેલ્થ ટુડે અને મેન્ટલ હેલ્થ એટલાસ 2024ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આત્મહત્યા યુવાનોમાં મૃત્યુનું એક મુખ્ય કારણ છે, જે સમગ્ર વિશ્વમાં 100માંથી એક મોતનું કારણ બને છે અને પ્રત્યેક મોત માટે 20 પ્રયત્નો કરવામાં આવે છે.
રિપોર્ટમાં લેખકોએ જણાવ્યું છે કે સિઝોફેનિયા 200માંથી એક વ્યકિતને અને બાઇપોલર ડિસઓર્ડર 150માંથી એક વ્યકિતને અસર કરે છે જે એક ચિંતાનું મુખ્ય કારણ છે.
તેમણે જણાવ્યું છે કે, પોતાની તીવ્ર અવસ્થામાં સિઝોફેનિયાને તમામ આરોગ્ય સ્થિતિઓમાં સૌથી વધારે નુકસાન પહોંચાડનાર માનવામાં આવે છે અને આ સમાજ માટે પ્રતિ વ્યકિત સૌથી મોંઘું વિકાર છે. આ સ્થિતિની ઓળખ આભાસ અને અવ્યવસ્થિત વિચારસરણીથી થાય છે.
આ તારણો WHO દ્વારા સંચાલિત ડેટાબેઝ ગ્લોબલ હેલ્થ એસ્ટિમેટ 2021 અને ગ્લોબલ બર્ડન ઓફ ડિસિઝ, ઇન્જરીસ એન્ડ રિસ્ક ફેકટર્સ સ્ટડી 2021ના વિશ્લેષણ પર આધારિત છે. જેનું સંકલન વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન દ્વારા કરવામાં આવ્યું છે.
લેખકોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે એક લાખની વસ્તીએ 13 મેન્ટલ હેલ્થ વર્કરો કાર્યરત છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં તેમની તીવ્ર અછત છે.