બલુચિસ્તાનમાં સ્કૂલ બસ પર આત્મઘાતી હુમલો : ત્રણ બાળક સહિત પાંચનાં મોત
- બાળકોને નિશાન બનાવાયા, 38ને ઇજા
- પાક.માં બલુચોનું મોટાપાયા પર સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું છે, તેઓ પાક. સરકારનો વિરોધ કરે છે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં આત્મઘાતી હુમલામાં ત્રણ બાળક સહિત પાંચના મોત થયા છે અને કેટલાય લોકોને ગંબીર ઇજા પહોંચી છે. આ બનાવ ખુઝદાર જિલ્લામાં બન્યો હતો. સ્કૂલબસ બાળકોને લઈને જઈ રહી હતી ત્યારે તેને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પાકિસ્તાન આર્મીએ આ હુમલાને કાયરતાપૂર્વકનો હુમલો ગણાવ્યો હતો.
ગૃહ મંત્રાલયે સોશિયલ મીડિયા પર તેના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સ્પ્લોઝિવ ડિવાઇસથી આ હુમલો કરવામાં આવ્યો હતો. ખુઝદારના ડેપ્યુટી કમિશ્નર યાસીરે જણાવ્યું હતું કે આ હુમલામાં ૩૮ને ઇજા થઈ છે. આ હુમલો ઝીરો પોઇન્ટ એરીયાની નજીક કરવામાં આવ્યો હતો. હુમલા પછી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તેઓએ ત્યાં તપાસ શરુ કરી છે અને ઘટનાસ્થળેથી પુરાવાઓ એકત્રિત કર્યા છે. પ્રથમદર્શી ધોરણે આ આત્મઘાતી હુમલો લાગે છે.
મૃતદેહો અને ગંભીર રીતે ઇજા પામેલાઓને કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલ લઈ જવાયા હતા. તેમા વધારે ગંભીર ઇજાગ્રસ્તને કરાચી અને ક્વેટા ખાતેની હોસ્પિટલમાં મોકલાયા હતા. પ્રાથમિક અહેવાલમાં નિર્દેશ કરાયો હતો કે બ્લાસ્ટમાં ચાર બાળકો માર્યા ગયા હતા. વડાપ્રધાન શહબાઝ શરીફે આ હુમલાને વખોડી કાઢ્યો હતો અને નિર્દોષ બાળકો અને તેમના શિક્ષકોની હત્યાના આ પ્રયાસ બદલ ઊંડા ખેદની લાગણી વ્યક્ત કરી હતી.
તેમણે સત્તાવાળાઓને સૂચના આપી છે કે કાવતરાખોરોને ઓળખી કાઢવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ હુમલાની ટીકા કરી હતી અને તેને માનવ અધિકારોનો ભંગ ગણાવ્યો હતો તથા મૃતકોના કુટુંબીઓને આશ્વાસન આપ્યું હતું. હજી સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. બલૂચિસ્તાનમાં પાક.થી મુક્ત થવાની સ્વતંત્રતા ચળવળ ચાલી રહી છે. તેમણે ૧૪મેના રોજ પોતાના સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. તે સી-પેકનો પણ વિરોધ કરી રહ્યુ છે. બલૂચ જૂથો અને રાજકીય પક્ષોનો દવો છે કે સંઘીય સરકાર તેમની ખનીજ સંપત્તિ ઉસેટી જાય છે, પણ તેમને કશું પરખાવતી નથી. બલૂચિસ્તાનના વિકાસ માટે પાક. સરકારે કશું કર્યું નથી.