ગરીબીમાં ઉછરેલા ઓમરે નોબેલ મેળવી મુસ્લિમોને નવી દિશા બતાવી

- પેલેસ્ટાઇનના શરણાર્થી પરિવારમાં જન્મ, યુએસમાં શિક્ષણ
- એક રૂમમાં પરિવાર રહેતો, વીજળીની સુવિધા નહોતી, આજે વિજ્ઞાન ક્ષેત્રે જળહળી ઉઠયા
વોશિંગ્ટન : કેમિસ્ટ્રીમાં નોબેલ મેળવનારા મૂળ પેલેસ્ટાઇનના નાગરિક ઓમર યાઘીની હાલ વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વભરમાં ચર્ચા થવા લાગી છે. ઓમરનું જીવન અત્યંત ગરીબીમાં વિત્યું, જોર્ડનના અમ્માનમાં ઓમર પશુઓની સાથે એક રૂમમાં રહેતા હતા, જ્યાં વીજળી પણ નહોતી. હવે તેઓ વિશ્વભરમાં વિજ્ઞાન ક્ષેત્રે ચમકી ઉઠયા છે.
૧૯૬૫માં જોર્ડનમાં પેલેસ્ટાઇનના શરણાર્થી પરિવારમાં જન્મેલા ઓમરનો અત્યંત ગરીબીમાં ઉછેર થયો હતો. તેનો આખો પરિવાર એક જ રૂમમાં રહેતો હતો, જેમાં ના તો ચોખુ પાણી મળતું ના તો વીજળી હતી. પિતાની વિનંતીને કારણે ઓમર ૧૫ વર્ષની વયે અમેરિકા પહોંચ્યા. જ્યાં તેમણે હુડસન કોલેજમાં એડમિશન લીધું, બાદમાં અલબાનીની યુનિવર્સિટીમાં પહોંચ્યા. ૧૯૯૦માં તેમણે ઇલ્લીનોઇસ યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં પીએચડી કર્યું હતું.
આજે તેઓ કેલિફોર્નિયા યુનિ.માં સૌથી ટોચના કેમિસ્ટ્રીના પ્રોફેસરનું પદ ધરાવે છે. એટલુ જ નહીં તેઓ યુએસ નેશનલ એકેડમી ઓફ સાઇન્સ એન્ડ જર્મન નેશનલ એકેડમી ઓફ સાઇન્સના ચૂંટાયેલા સભ્ય પણ છે. નોબેલ પ્રાઇઝ મેળવનારા ઓમર ૧૬માં મુસ્લિમ નિષ્ણાત છે. જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ મેળવનારા તેઓ વિશ્વના ચોથા મુસ્લિમ વૈજ્ઞાનિક છે. આ પહેલા ફિઝિક્સમાં ૧૯૭૯માં અબ્દુસ સલમાનને, ૧૯૯૯માં કેમિસ્ટ્રીમાં અહમદ ઝેવેઇલને, ૨૦૧૫માં કેમિસ્ટ્રીમાં જ અઝીઝને, ૨૦૨૩માં કેમિસ્ટ્રીમાં મૌંગી બાવેન્ડીને નોબેલ મળ્યો હતો. મુસ્લિમ સમાજ માટે ઓમર પ્રેરણાદાયક વૈજ્ઞાનિક સાબીત થઇ રહ્યા છે. જ્યારે ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ખુંવાર થઇ ગયેલા પેલેસ્ટાઇનના નાગરિકોમાં પણ આશાનું કિરણ જાગ્યું છે.









