Get The App

ઓમાનમાં જાન્યુઆરી 2028થી પાંચ ટકા આવકવેરો વસૂલાશે

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
ઓમાનમાં જાન્યુઆરી 2028થી પાંચ ટકા આવકવેરો વસૂલાશે 1 - image


- જીસીસીના છ દેશોમાં ટેક્સ નાખનાર પ્રથમ દેશ બનશે

- એનર્જી વૈવિધ્યીકરણ થઈ રહ્યુ છે ત્યારે ગલ્ફ કન્ટ્રીઝને ઓઇલ પર આધારિત રહેવા સામે ચેતવણી અપાઈ 

- ઓમાનમાં ઇન્કમ ટેક્સથી વસ્તીના ફક્ત એક ટકા લોકોને જ અસર થશે

દુબઈ : અખાતી દેશોમાં આવકવેર જેવું કશું છે જ નહીં, પણ અખાતનો દેશ ઓમાન હવે આ પરંપરા તોડશે. આવકના સ્ત્રોતોનું વૈવિધ્યીકરણ કરવા ઓમાન જાન્યુઆરી ૨૦૨૮થી આવકવેરો લેવાનું શરૂ કરશે. નવા કાયદા મુજબ વર્ષે ૪૨ હજારથી વધુ ઓમાની રિયાલ (૧.૦૯ લાખ ડોલર) કમાનારા પર પાંચ ટકાના દરે વેરો લાગશે. જો કે ઓમાનના આ પગલાંથી તેની વસ્તીના માંડ એક ટકા લોકોને અસર થશે. 

ઓમાનની આ નીતિ તેના ઓઇલ પરના અવલંબનને ઘટાડવાનો પ્રયાસ છે. ઇકોનોમી મિનિસ્ટર સઇદ બિન મોહમ્મદ અલ-સકરીએ જણાવ્યું હતું કે સામાજિક ખર્ચ જાળવી રાખવાની સાથે ઓઇલ પરનું અવલંબન ઘટાડવાનો પ્રારંભ કરવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું છે.

આવકવેરો વિશ્વસ્તરે બધા જ દેશોમાં લેવામાં આવે છે, પરંતુ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના છ દેશોમાંથી એકમાં પણ આવકવેરો લેવામાં આવતો નથી. ઓમાનના આ નિર્ણય બતાવે છે કે હવે અખાતના દેશોમાં મહત્ત્વનો નીતિગત ફેરફાર થઈ રહ્યો છે.

ઓમાને લીધેલું પગલું આમ ઘણું નાનું છે, છતાં પણ મહત્ત્વનું છે, એમ અબુધાબી કોમર્સિયલ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ મોનિકા મલિકે જણાવ્યું હતું. ઓમાન પણ હવે સ્પર્ધાત્મક રહેવાની સાથે-સાથે રાજકોષીય સુધારા કરવા માંગે છે તે આ પગલાં પરથી જણાઈ આવે છે. આ પગલાંનું મહત્ત્વ એટલા માટે છે કેમકે વધુને વધુ ધનવાન લોકો જીસીસી દેશોમાં આવી રહ્યા છે. 

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ જીસીસી સ્ટેટ્સને ચેતવણી આપી છે કે તેઓએ તેમના બજેટ લાંબા સમયગાળાથી ઓઇલ પર આધારિત છે તે સમયે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશનની સ્થિતિમાં આવકવેરો લાદવો પડી શકે છે. ઓમાને તેના વિઝન ૨૦૪૭ અન્વયે આ આવકવેરો નાખ્યો છે. આગામી દિવસોમાં ઓમાન આવકના સ્ત્રોતોનું વધુને વધુ વૈવિધ્યીકરણ કરતું જોવા મળે તો આશ્ચર્ય નહીં થાય. ઓમાને ૨૦૨૪માં કોર્પોરેટ ટેક્સ, વેટ અને બીજા કેટલાક કર દ્વારા ૧.૪ અબજ ઓમાની રિયાલ એકત્રિત કર્યા હતા. 

Tags :