એનવીડિયા 4 લાખ કરોડ ડોલરનું બજારમૂલ્ય નોંધાવનારી વિશ્વની સૌપ્રથમ કંપની બની

- કંપનીના શેરે બુધવારે ૨.૫ ટકાનો વધારો નોંધાવતા સિદ્ધિ મેળવી
- માઇક્રોસોફ્ટ, એપલ, ગૂગલ, એમેઝોન જેવી મહાકાય કંપનીઓને એનવીડિયાએ પાછળ છોડી દીધી
ન્યૂયોર્ક : ચિપ ઉત્પાદક એનવીડિયા ૪ લાખ કરોડ ડોલરનુ બજારમૂલ્ય નોંધાવનારી વિશ્વની પ્રથમ કંપની બની છે. સળંગ બે વર્ષ સુધી રોકાણકારોએ આ શેરમાં રોકાણ કરવા પાછળ દર્શાવેલા ગાંડપણના કારણે શેરના ભાવમાં આટલો વધારો નોંધાયો છે. બુધવારે એનવીડિયાનો શેર ૨.૫ ટકા કે ૩.૯૭ ડોલર વધવાના સાથે તેણે ચાર લાખ કરોડ ડોલરમાં પ્રવેશવાનું સન્માન મેળવ્યું હતું.
એનવીડિયાના શેરનો ભાવ એક સમયે પાંચ વર્ષ પહેલા ફક્ત ૧૩.૦૨ ડોલર હતો. આ શેરે ૨૦૨૦માં ૫૮૨ ડોલરની ટોચ નોંધાવ્યા પછી તેનું શેરવિભાજન કરવામાં આવ્યા પછી તેનો ભાવ ૧૩.૦૨ ડોલર થયો હતો. એનવીડિયાનો શેર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં આવેલી તેજીનો પોસ્ટર બોય છે. તેણે માઇક્રોસોફ્ટ, એપલ, એમેઝોન અને ગૂગલ બધાને પાછળ મકી દીધા છે. આ બધી કંપનીઓનું બજારમૂલ્યબે લાખ કરોડથી ત્રણ લાખ કરોડ ડોલર કરતાં વધારે છે.
હાલમાં ચાર લાખ કરોડ ડોલરના બજારમૂલ્ય શાથે આ શેર એસ એન્ડ પી ૫૦૦ ઇન્ડેક્સ અને અન્ય ઇન્ડેક્સમાં પણ મહત્વનું સ્થાન ધરાવતો થઈ ગયો છે. હજી બે વર્ષ પહેલાં જ એનવીડિયાનું બજારમૂલ્ય ૬૦૦ અબજ ડોલરથી પણ ઓછું હતું. એનવીડિયા અને અન્ય કંપનીઓને એઆઇ બૂમનો ફાયદો મળ્યો છે. તેના કારણે એસ એન્ડ ૫૦૦ ઇન્ડેક્સ પણ વિક્રમજનક સ્તરે પહોંચ્યો છે. તેના નફામાં જંગી ઉછાળાએ બજારને વૃદ્ધિમાં મદદ કરી છે.
તેની વૃદ્ધિએ ઊંચા ફુગાવા અને અમેરિકન અર્થતંત્રને પ્રમુખ ટ્રમ્પની ટેરિફ અને અન્ય પોલિસીઓએ આપેલા ફટકાને પણ પાછળ મૂકી દીધી છે. હજી હમણા જ થોડા સમય પહેલા ચાઇનીઝ કંપનીએ ચેટજીપીટી જેવી એઆઇ એપ્લિકેશન લોન્ચ કરી ત્યારે એનવીડિયાના શેરમાં કડાકો બોલતાં એક જ દિવસમાં ૫૯૩ અબજ ડોલર ધોવાઈ ગયા હતા, પરંતુ તેણે પછી આ ખોટ રિકવર કરી લીધી હતી.








