છેલ્લા ૧૦ વર્ષમાં ખ્રિસ્તી દેશની સંખ્યામાં 4 નો ઘટાડો, યુકે, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસમાં મુસિબત
લેટિન અમેરિકી દેશ ઉરુગ્વે ઓફિશિયલી હવે ખ્રિસ્તી દેશ રહયો નથી
૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાન ઇસાઇ દેશોની સંખ્યા ૪ જેટલી ઘટી
લંડન,૩૧ જુલાઇ,૨૦૨૫,ગુરુવાર
પ્યૂ રિસર્ચ સેન્ટરના એક નવા રિપોર્ટમાં જણાવ્યા મુજબ લોકોની ધર્મમાં આસ્થા ઘટતી જાય છે. ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં લોકો ખ્રિસ્તી ધર્મ છોડી રહયા છે તેની અસરથી ખ્રિસ્તી દેશોમાં બહુમતિ વસ્તી ઘટી રહી છે. લેટિન અમેરિકી દેશ ઉરુગ્વે ઓફિશિયલી હવે ખ્રિસ્તી દેશ રહયો નથી. ૫૨ ટકાથી વધુ લોકોએ પોતાને કોઇ પણ ધર્મથી અલગ કરી દીધા છે. દુનિયાની બદલતી જતી ડેમોગ્રાફી ચિંતાનું કારણ બની રહી છે. ધીમે ધીમે ઇસાઇ દેશોની સંખ્યા ઘટી રહી છે.
રિસર્ચ ડેટાના આધારે જણાવાયું છે કે ૨૦૧૦ થી ૨૦૨૦ દરમિયાન ઇસાઇ દેશોની સંખ્યા ૪ જેટલી ઘટી છે. જો કે તેમ છતાં વિશ્વમાં ઇસાઇ દેશોની સંખ્યા સૌથી વધારે છે. હાલમાં દુનિયાના ૨૦૧ દેશોમાંથી ૧૨૦ ઇસાઇ દેશો છે જે પહેલા ૧૨૪ હતા. દરેક દેશોમાં સરેરાશ ઇસાઇ ધર્મીઓની સંખ્યા ૬૦ ટકા જેટલી હતી જે પહેલા સરેરાશ ૬૨ ટકા હતી. આમ એક દાયકામાં ઇસાઇ ધર્મીઓની સરેરાશમાં ૨ ટકાનો ઘટાડો થયો છે. ઇસાઇઓની સંખ્યામાં ઘટાડાનું કારણ ધર્મ છોડવાનું છે. ધર્મ છોડનારા બીજા ધર્મમાં જોડાતા નથી પરંતુ અધર્મી રહે છે.
સૌથી મહત્વની વાત તો એ છે કે ઉરુગ્વે ઉપરાંત બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસમાં બદલાવ જોવા મળે છે. જયાંની ઇસાઇ વસ્તી છેલ્લા ૧૦ વર્ષમાં ઘટી છે. ધર્મ નિરપેક્ષતા તરફ ઝુકાવ વધતો જાય છે. રિપોર્ટ અનુસાર એક દસકામાં મુસ્લિમ દેશોની સંખ્યામાં કોઇ જ ફેરફાર જોવા મળતો નથી.
વર્ષ ૨૦૧૦માં મુસ્લિમ દેશો ૫૩ હતા જે ૨૦૨૦માં પણ જળવાઇ રહયા છે. હિંદુ દેશોમાં ભારત અને નેપાળનો સમાવેશ થાય છે. દુનિયાની ૯૫ ટકા હિંદુ વસ્તી ભારતમાં રહે છે. મોરિશિયસમાં સૌથી વધારે ૪૮ ટકા હિંદુઓ રહે છે પરંતુ તેઓ સૌથી મોટી બહુમતિમાં નથી. બૌધ્ધ ધર્મમાં માનનારા દેશોની સંખ્યા ૭ છે જે હજુ પણ જળવાઇ રહી છે.