Get The App

સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ ચર્ચા પડી ભાંગી

- અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં : ઉ. કોરિયા

- અમેરિકાએ સ્વીડનમાં બેઠકને સારી ગણાવી જ્યારે ઉત્તર કોરિયાએ મંત્રણા પડી ભાંગવા માટે યુએસને જવાબદાર ઠેરવ્યું

Updated: Oct 7th, 2019

GS TEAM

Google News
Google News
સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે પરમાણુ ચર્ચા પડી ભાંગી 1 - image


(પીટીઆઈ) સીઓલ, તા. 6 ઓક્ટોબર, 2019, રવિવાર

સ્વીડનમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેની પરમાણુ ચર્ચા પડી ભાંગ્યાના બીજા દિવસે રવિવારે ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકા શત્રૂતાપૂર્ણ નીતિ બંધ ન કરે ત્યાં સુધી તેની સાથે પરમાણુ ચર્ચા ફરીથી શરૂ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.

ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફેબુ્રઆરીમાં બેઠક યોજાયા પછી મહિનાઓ સુધી અટવાઈ ગઈ હતી. જોકે, શનિવારે બંને દેશો વચ્ચે બેઠક યોજાઈ હતી.

ઉત્તર કોરિયાએ ગયા બુધવારે અમેરિકા સાથે વાટાઘાટો ફરીથી શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી અને તેના થોડાક જ ક્લાકમાં તેણે બેલાસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.

જોકે, આ પરીક્ષણ છતાં સ્વીડનના સ્ટોકહોમમાં ઉત્તર કોરિયાના દૂતાલયથી થોડાક દૂર શનિવારે ઉત્તર કોરિયા અને અમેરિકાના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. સ્વીડનમાં બેઠકમાંથી બહાર આવતાં ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે અમેરિકાએ 'નવા અને સર્જનાત્મક' ઉકેલો રજૂ કર્યા ન હોવાથી તે હતાશ છે અને તેને અમેરિકા સાથે વાટાઘાટો કરવામાં કોઈ રસ નથી. 

બીજીબાજુ અમેરિકાએ બે સપ્તાહમાં ફરીથી ઉત્તર કોરિયા સાથે વાટાઘાટો માટે આતુરતા દર્શાવી હતી. પરંતુ ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકા તેની જૂની નીતિઓને વળગી રહેશે તો તેમની સાથેની વાટાઘાટોનો તાત્કાલિક અંત આવી શકે છે. પ્યોંગયોંગ અને વોશિંગ્ટનની ભાવી વાટાઘાટોનો આધાર અમેરિકાના એટીટયૂડ પર છે અને તેની ડેડલાઈન આ વર્ષના અંત સુધીની છે.'

સ્ટોકહોમમાં પરમાણુ શસ્ત્રો ધરાવતા ઉત્તર કોરિયાના અગ્રણી મંત્રણાકાર કિમ મીઓન્ગ ગીલે અમેરિકા પર તેનો જૂનો એટિટયૂડ નહીં છોડવાનો આરોપ મૂક્યો હતો. તેના આ એટિટયૂડને કારણે કોઈપણ પરીણામ પર પહોંચ્યા વિના આ બેઠકનો અંત આવ્યો હતો.

જોકે, વોશિંગ્ટને આ બેઠકમાં ફળદાયી ચર્ચા થઈ હોવાનો દાવો કરતાં કહ્યું કે ઉત્તર કોરિયાની ટીપ્પણીઓ બેઠક પર કોઈ અસર નહીં કરે. ઉત્તર કોરિયા સાથે લગભગ સાડા આઠ ક્લાક સુધી થયેલી ચર્ચા ફળદાયી રહી છે.

અમેરિકાએ બે સપ્તાહના સમયમાં ઉત્તર કોરિયા સાથે વાટાઘાટો ફરી શરૂ કરવા માટેનું યજમાન સ્વીડનનું આમંત્રણ સ્વીકાર્યું હતું તેમ અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટેગસે જણાવ્યું હતું. ઓર્ટેગસે ઉમેર્યું કે અમેરિકાએ અનેક નવી પહેલોની સમિક્ષા કરી હતી. ગયા વર્ષે જૂનમાં કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની પ્રથમ બેઠકમાં કોરીયન દ્વિપખંડના સંપૂર્ણ નિ:શસ્ત્રીકરણ અંગે વાટાઘાટો થઈ હતી, પરંતુ આ બાબતમાં બહુ ઓછી પ્રગતિ થઈ છે.

બુધવારે ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે તે તેની સંરક્ષણ ક્ષમતાના નવા તબક્કામાં પ્રવેશ્યું છે. ઉત્તર કોરિયાએ બુધવારે સબમરીન લોન્ચ બેલાસ્ટિક મિસાઈલનું  પરીક્ષણ કર્યું હતું, જે વર્ષ 2018માં વોશિંગ્ટન સાથે વાટાઘાટો શરૂ થયા પછીનું સૌથી ઉશ્કેરણીજનક પગલું માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદ દ્વારા ઉત્તર કોરિયા પર બેલાસ્ટિક મિસાઈલ્સ લોન્ચ કરવા પર પ્રતિબંધ મૂકાયો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ અગાઉ ટૂંકી રેન્જના મિસાઈલોના પરીક્ષણ કર્યા હતા તેની સામે તેને કોઈ સમસ્યા નથી. ઉપરાંત ઉત્તર કોરિયાના નેતા સાથે તેને વ્યક્તિગત રીતે સારા સંબંધો છે.

Tags :