હવે તો, ઇસ્લામાબાદને જ નિશાન બનાવીશું અફઘાનની ચેતવણી : તૂર્કી પણ સમાધાન કરાવી શક્યું નથી

- બંને દેશોની સેનાઓ હાઈ એલર્ટ પર છે
- અફઘાનિસ્તાને શાંતિની અપીલ જરૂર કરી છે, પરંતુ સાથે સ્પષ્ટ ચેતવણી આપી છે : આક્રમણનો જવાબ આક્રમણથી જ આપીશું
ઇસ્તંબૂલ : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તુર્કીમાં ચાલી રહેલી શાંતિ મંત્રણા પડી ભાંગવાની કગાર પર છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનને ખૂબ જ કડક ચેતવણી આપી દીધી છે. તેણે કહ્યું છે કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ હુમલો કરાશે કે અફઘાનિસ્તાન ઉપર બોમ્બ વર્ષા થશે તો સીધું ઇસ્લામાબાદને જ નિશાન બનાવવામાં આવશે. તેનાં સંરક્ષણ મંત્રાલયે ખુલ્લેઆમ કહી દીધું છે કે હવે પાકિસ્તાન તરફથી થતા એક પણ હુમલાનો જવાબ તેની ભાષામાં જ આપવામાં આવશે.
અત્યારે બંને દેશો વચ્ચે સીમા વિવાદ અને અન્ય મુદ્દાઓ અંગે ઇસ્તંબુલમાં મંત્રણા ચાલે છે. પરંતુ કોઈપણ નિર્ણય લઇ શકાયો નથી. તાલિબાન સરકારની પાકિસ્તાનને અપાયેલી ચેતવણીના બહુવિધ અર્થો નીકળી શકે તેમ છે. તેવું પણ મનાય છે કે આ મંત્રણા કોઈપણ સમજૂતી સધાયા વિના જ તૂટી પડવાની કગાર પર પહોંચી છે.
ટોલો ન્યૂઝના જણાવ્યા પ્રમાણે અફઘાન પક્ષ મંત્રણા માટે પ્રતિબધ્ધ હતો. પરંતુ પાકિસ્તાની પ્રતિનિધિ મંડળે પોતાનાં વલણમાં જરા પણ ઢીલાશ રાખી ન હતી.
પાકિસ્તાન પ્રતિનિધિ મંડળે દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાન પાકિસ્તાનને સલામતીનું વચન આપે. તહેરિક એ તાલિબાન એ પાકિસ્તાન (ટીટીપી)ને આશ્રય ન આપે. પરંતુ તે અંગે અફઘાનિસ્તાન નિરૂત્તર રહ્યું અને કહ્યું કે આવી શરતો મુકી પાકિસ્તાન પ્રતિનિધિ મંડળે જ શાંતિ મંત્રણા નિષ્ફળ કરી છે. આ બધાં કારણોસર ૯ કલાક સુધી ચાલેલી મંત્રણા નિષ્ફળ રહી છે.
પાકિસ્તાન એક તરફ તેહરિક એ તાલિબાન એ પાકિસ્તાન સામે સેનાકીય કાર્યવાહી કરવા અફઘાનો ઉપર દબાણ કરે છે. તો સામી બાજુએ અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપર સરહદ ઓળંગવાનો અને હવાઈ હુમલા કરવાનો આક્ષેપ કરે છે. આથી તુર્કી અને કતારની મધ્યસ્થતા છતાં એ બંને પક્ષો વચ્ચે ગતિરોધ ચાલુ રહ્યો છે. મતભેદો ઊંડા થઇ રહ્યા છે.
મુશ્કેલી ત્યારે વધી છે કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે શાંતિ મંત્રણા શરૂ થાય તે પહેલાં જ ધમકી ઉચ્ચારી હતી કે જો મંત્રણા નિષ્ફળ જશે તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થઇ જશે. બીજી તરફ અફઘાન ઉપગૃહમંત્રી માવલવી રહમતુલ્લાહ નજીબનાં નેતૃત્વવાળી ટીમે પાકિસ્તાન ઉપર અન્યાયી વલણ રાખવાનો આક્ષેપ કર્યો હતો. તેથી તંગદિલી વધી હતી. તેમાં પાકિસ્તાને કરેલા હવાઈ હુમલાઓએ બળતામાં ઘી ઉમેર્યું હતું. અફઘાન નેતાઓએ કહી દીધું કે અમે રશિયાને પણ નથી નમ્યા કે અમેરિકાને પણ નથી નમ્યા તેટલું જ નહીં પરંતુ બંનેને અમારી ધરતી પરથી ઉખાડી ફેંકી દીધા છે તો પાકિસ્તાન કઇ વિસાતમાં છે.
ઓક્ટો.ના પ્રારંભથી જ બંને દેશો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. છેલ્લે કતાર અને તૂર્કીની મધ્યસ્થતાથી ૪૮ કલાકનો યુદ્ધ વિરામ થયો પરંતુ તે તૂટી ગયો. બંને દેશોની સેનાઓ અત્યારે હાઈ એલર્ટ પર છે.

