World

હવે ભારતના ચોખા ઉપર ટ્રમ્પ 'ટેરિફ' લગાડશે, ઉપરાંત કેનેડાથી આવતા ખાતર પર પણ 'ટેરિફ' લાગશે

By GS TEAM
9 Dec 20252 mins read
હવે ભારતના ચોખા ઉપર ટ્રમ્પ 'ટેરિફ' લગાડશે, ઉપરાંત કેનેડાથી આવતા ખાતર પર પણ 'ટેરિફ' લાગશે

- ભારત ઉપરાંત વિયેતનામ તથા થાઈલેન્ડથી આયાત થતા ચોખાને લીધે અમેરિકાના ખેડૂતોને તેમના ચોખાની કિંમત ઓછી મળે છે

વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતનો 'ટેરિફ' પ્રેમ ખત્મ થવાનું નામ લેતો નથી. તેઓએ સોમવારે (યુએસ સમય પ્રમાણે) સંકેત આપ્યો હતો કે તે બીજા દેશોમાં થતી કૃષિ આયાત - વિશેષત: ભારતથી આયાત થતા ચોખા અને કેનેડાથી આયાત કરાતા રાસાયણિક ખાતરો પર નવો 'ટેરિફ' લગાડશે.

આ બંને દેશો સાથે અમેરિકી અધિકારીઓની મંત્રણા હજી ચાલે છે અને તે વ્યાપાર મંત્રણામાં હજી સુધી કોઈ પ્રગતિ થઈ શકી નથી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રીપોર્ટ પ્રમાણે ટ્રમ્પે આ માહિતી વ્હાઈટ હાઉસમાં યોજાયેલી એક બેઠક દરમિયાન આપી હતી. પ્રમુખ ટ્રમ્પે અમેરિકાના ખેડૂતોનાં સમર્થનમાં ૧૨ બિલયન ડોલરની યોજના રજૂ કરી. તેઓએ કહ્યું કે બીજા દેશોમાંથી થતી આયાત અમેરિકાના ખેડૂતો માટે પડકારરૂપ છે. તેનો ઉકેલ શોધવો જ રહ્યો.

તેઓએ કહ્યું કે તેઓ ભારતીય ચોખાના કથિત ડમ્પીંગ ઉપર ધ્યાન આપશે. તેમજ કેનેડાથી આવતા રાસાયણિક ખાતરો ઉપર પણ ધ્યાન આપશે. અને જરૂર લાગશે તો તે ઉપર ઘણો ભારે 'ટેરિફ' પણ લગાડવો પડશે. કારણ કે તો જ દેશના ઉત્પાદનને પ્રોત્સાહન મળી શકે.

ટૂંકમાં હવે ટ્રમ્પ તેનું ટેરિફ-ટેરર આયાતી અનાજ ઉપર પણ લગાડવાના છે. પરંતુ તેઓ ભૂલે છે કે અત્યારે જે 'ટેરિફ' છે તેમાં અનેકગણો વધારો કરશે તો છેવટે તે કૃષિ પેદાશો, અમેરિકાના નાગરિકોને જ મોંઘી પડશે. સાથે તે ધ્યાનમાં રહે કે તેથી એક તરફ અમેરિકી નાગરિકો નારાજ થશે તો બીજી તરફ જે દેશોમાંથી ચોખા આયાત કરાય છે તે દેશોની ચોખાની નિકાસ ઉપર અસર પડશે તેથી તે દેશો પણ નારાજ થશે.