હવે ટ્રમ્પ કહે છે : પુતિન કદાચ યુક્રેન સાથે શાંતિ થાય તેમ ઈચ્છતા નથી

- આમ છતાં તેઓએ આશા વ્યક્ત કરી કે પુતિન આગળ વધી યુદ્ધ બંધ કરશે : જો નહીં કરે તો તેમને માટે મુશ્કેલ સ્થિતિ થશે
વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે મંગળવારે આશા વ્યક્ત કરી હતી કે, પુતિન આગળ વધી યુક્રેન યુદ્ધ બંધ કરે પરંતુ તે સાથે તેમ પણ કબૂલ્યું હતું કે, કદાચ ક્રેમ્લીનના નેતા શાંતી સમજૂતી ઈચ્છતા જ નથી અને જો શાંતિ નહીં કરે તો, પુતિન માટે ઘણી ખરાબ પરિસ્થિતિ ઉપસ્થિત થશે.
આ સાથે પ્રમુખે તેમ પણ જણાવ્યું હતું કે, આગામી બે એક સપ્તાહોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. બીજી તરફ તેઓએ યુક્રેનમાં અમેરિકન ટ્રૂપ્સ મોકલવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ તે માટે કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું ન હતું. આ ઉપરાંત તેઓએ પહેલાં કહ્યું હતું તેમ યુદ્ધ સમાપ્તી પછી યુ.એસ. યુક્રેનને સિક્યોરિટી ગેરેન્ટી આપશે, તે વાતનો પણ ફરી ઉચ્ચાર કર્યો ન હતો, માત્ર તેટલું જ કહ્યું કે યુક્રેનને જરૂર લાગશે તો અમેરિકા તેને કોઈ પ્રકારે વાયુ દળથી ટેકો આપશે.
આ સાથે પ્રમુખે તે પણ સ્પષ્ટતા કરી હતી કે, 'તેમાં (શાંતિ સમજૂતીમાં) કોઈ વિવાદ ઉપસ્થિત થશે તેમ હું માનતો નથી.' પ્રમાણિકપણે કહું તો મને લાગે છે કે પુતિન પણ આ યુદ્ધથી કંટાળ્યા છે, બધાં જ કંટાળ્યા છે છતાં (ભવિષ્યમાં) શું થશે તે તો કહી શકાય જ નહીં.
અમે પ્રમુખ પુતિન માટે શું કરવું તે વિષે એક-બે સપ્તાહમાં જ નિર્ણય લેવાય જશે. પ્રમુખ પુતિન સામે આવી કદાચ યુદ્ધ બંધ કરે પણ ખરા અને જો તેમ નહીં કરે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.









