હવે દવાઓ પર 200 ટકા ટેરિફ લાગુ કરી ભારતને મોટો ઝટકો આપવાની ડોનાલ્ડ ટ્રમ્પની યોજના
Donald Trump : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખતા બંને દેશોના સંબંધો વણસ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટો ફટકો પડયો છે. આવી સ્થિતિમાં હવે ટ્રમ્પે અમેરિકામાં દવાઓ પર 200 ટકા અથવા વધુ ટેરિફ નાંખી ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ફટકો આપવાની યોજના બનાવી છે. બીજીબાજુ ટ્રમ્પ સાથે ટેરિફ વિવાદ વચ્ચે પણ ભારતને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારની આશા છે અને તે માટે ભારત અમેરિકા સાથે વાટાઘાટો કરી રહ્યું છે તેમ વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે મંગળવારે કહ્યું હતું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન ઉત્પાદક એપલ સહિતની ટેક્નોલોજી કંપનીઓને ભારતના બદલે અમેરિકામાં રોકાણ કરવા માટે દબાણ કર્યું છે. હવે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી દવાઓ પર 200 ટકા જેટલો જંગી ટેરિફ નાંખવાની યોજના બનાવી છે. જોકે, સૂત્રો મુજબ ટ્રમ્પ સીધા જ નહીં પરંતુ તબક્કાવાર ટેરિફ નાંખે તેવી શક્યતા છે. આ નિર્ણય પાછળ ટ્રમ્પનો આશય દવાઓનું ઉત્પાદન વિદેશોમાંથી અમેરિકા પાછું લાવવાનો છે. ટ્રમ્પ દવા કંપનીઓને અમેરિકામાં ઉત્પાદન માટે એકથી દોઢ વર્ષ સુધીનો સમય આપે તેવી પણ શક્યતા છે.
જોકે, દવાઓ પર જંગી ટેરિફના ટ્રમ્પના સંભવિત નિર્ણયથી દુનિયામાં જેનેરિક દવાઓના મહત્વપૂર્ણ નિકાસકાર ભારતને મોટું નુકસાન થવાની આશંકા છે. અન્ય ભારતીય નિકાસકારોની જેમ ભારતીય દવા ઉત્પાદકો પર અસર થઈ શકે છે. જોકે, કેટલાક રિપોર્ટ્સ મુજબ ટ્રમ્પની નજર ભારતની સાથે ચીનમાંથી આયાત થતી દવાઓ અને તેના કાચા માલ (એપીઆઈ) પર પણ છે. કેટલાક સૂત્રો મુજબ ટ્રમ્પ દવાઓ પર ટેરિફ નાંખીને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધારવા માગે છે. ટ્રમ્પના દબાણ હેઠળ જ્હોન્સન એન્ડ જ્હોન્સન અને રોશ જેવી ફાર્મા કંપનીઓ તેમના ઉત્પાદન એકમ અમેરિકામાં સ્થળાંતર કરવા પણ તૈયાર છે. આ કંપનીઓએ અમેરિકામાં રોકાણ વધારવાની જાહેરાત પણ કરી દીધી છે.
બીજીબાજુ અમેરિકન નિષ્ણાતો અને ફાર્મા ઉદ્યોગનું માનવું છે કે ટ્રમ્પના જંગી ટેરિફની વિપરિત અસર પણ થઈ શકે છે. તેનાથી અમેરિકામાં દવાઓની કિંમતમાં વધારો થઈ શકે અને દવાઓની અછત સર્જાવાનું પણ જોખમ છે. ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી વિશેષરૂપે જેનેરિક દવાઓ પર સૌથી વધુ અસર થઈ શકે છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ ૨૫ ટકા ટેરિફ પણ નાંખે તો અમેરિકામાં દવાનો ખર્ચ લગભગ 51 અબજ ડોલર વધી શકે છે.
દરમિયાન ટ્રમ્પના ટેરિફના વિવાદ વચ્ચે પણ ભારતને અમેરિકા સાથે સંબંધો સુધરવાની અને દ્વિપક્ષીય વેપાર કરારની આશા છે. ભારતે અમેરિકાના સામાન પર ટેરિફ શૂન્ય કરવાની તૈયારી દર્શાવી હોવાના ટ્રમ્પના દાવા વચ્ચે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે, ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા, યુએઈ, મોરેશિયસ, બ્રિટન અને ચાર યુરોપીયન રાષ્ટ્રોના બ્લોક ઈએફટીએ સાથે મુક્ત વેપાર કરાર કર્યા છે.
તેમણે ઉમેર્યું કે, અમેરિકા સાથે ઘણું બધું થઈ ગયું છે અને ઘણું બધું થવાનું છે. અમે દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર માટે માર્ચ મહિનાથી ચર્ચા કરી રહ્યા છે. બંને દેશોએ અત્યાર સુધીમાં પાંચ તબક્કાની ચર્ચા પૂરી કરી લીધી છે. છઠ્ઠા તબક્કાની વાટાઘાટો માટે નવી તારીખો નક્કી થવાની છે.