World

હવે ખરૂ યુદ્ધ થઇ જશે : પાકિસ્તાન સંરક્ષણ મંત્રીની ભારતને ખુલ્લી ધમકી

By GS TEAM
8 Oct 20253 mins read
હવે ખરૂ યુદ્ધ થઇ જશે : પાકિસ્તાન સંરક્ષણ મંત્રીની ભારતને ખુલ્લી ધમકી

- આસીફ ઇતિહાસ ભણ્યા જ નથી લાગતા : વિશ્લેષકો

- ઔરંગઝેબના સમય સિવાય ભારત એક હતું જ નહીં, પાકિસ્તાન તો અલ્લાહનાં નામે રચાયું છે : ખ્વાજા આસીફ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસીફે ફરી એકવાર ભારત સામે વિષવમન શરૂ કરી દીધું છે, અને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ભારત સાથે યુદ્ધ શક્યતાઓ તદ્દન સાચી છે. તે સંભાવના નકારી શક્ય તેમ નથી.

સામ્બા ટીવીને આપેલી મુલાકાતમાં આસીફે લગભગ એક ધાર્યું વિષવમન ભારત સામે વણથંભ્યું ચાલુ રાખ્યું હતું. તેમાં તેઓએ તેમ પણ કહ્યું કે યુદ્ધ થસે જ તો પાકિસ્તાન તો એક બની ઊભું રહેશે પરંતુ ભારત એક રહેશે કે કેમ તે પ્રશ્ન છે.

તેઓએ વધુમાં કહ્યું આપણે યુદ્ધ ઇચ્છતા નથી પરંતુ તેનાં જોખમો વધી રહ્યાં છે, અને હું તેનો ઇન્કાર કરતો પણ નથી. જો યુદ્ધ થઇ જ જશે તો ઇન્શાલ્લાહ આપણે પહેલાં કરતાં પણ વધુ સારાં પરિણામો મેળવી શકીશું.

આ સાથે આસીફે તેમ પણ કહ્યું કે ઔરંગઝેબના સમય સિવાય ભારત કદીયે એક ન હતું, અને પાકિસ્તાન તો અલ્લાહનાં નામે જ રચાયું છે. આસીફે વધુમાં કહ્યું : પાકિસ્તાનીઓ ઘરમાં અંદરો અંદર ઝઘડે છે પરંતુ ભારત સાથે યદ્ધની વાત આવે ત્યારે એક થઇ જાય છે.

તેમણે આગળ કહ્યું : ઇતિહાસ દર્શાવે છે કે ભારત કદી એક રાષ્ટ્ર હતું જ નહીં, માત્ર ઔરંગઝેબના શાસનકાળમાં તે કેટલોક સમય એક બન્યું.

ખ્વાજા આસીફે આ વિધાનો ભારતનાં ભૂમિદળના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવતાં કહ્યું હતું કે રાજ્યાશ્રિત ત્રાસવાદ બંધ કરો નહીં તો વિશ્વના નકશા ઉપરથી ભૂંસાઈ જશો.

જન. દ્વિવેદીનાં આ વિધાનો પછી ખ્વાજા આસીફે સહિત પાકિસ્તાનના નેતાઓએ ભારત વિરૂદ્ધ શ્રેણી બંધ સળગતાં વિધાનો કરે રાખ્યાં છે. તેના ભાગરૂપે ખ્વાજા આસીફે ધગધગતા શબ્દો ભારત સામે વર્ણવ્યા હતા.

જનરલ દ્વિવેદીએ પાકિસ્તાનને ચેતવતાં કહ્યું હતું કે હવે જો પાકિસ્તાન હુમલો કરશે, તો ઓપરેશન સિંદૂર સમયે જાળવેલો સંયમ ભારત નહીં જાળવે. બિકાનેર વિસ્તારમાં સરહદી પ્રદેશમાં રહેલી ભારતની યુદ્ધ તૈયારીઓ અને સૈનિકોની વ્યવસ્થા તથા તેમની સુવિધાની તપાસ કરવા પહોંચેલા જનરલ દ્વિવેદીએ સરહદ ઉપરથી જ પાકિસ્તાનને ચેતવતાં કહ્યું હતું કે હવે જે જવાબ અપાશે તેમાં પાકિસ્તાનને નકશા ઉપર ટકી રહેવું કે કેમ તે વિચારવું પડશે. ભારત આ વખતે પૂરેપૂરૃં તૈયાર બની ગયું છે.

જમ્મુ અને કાશ્મીરમાં પહેલગાંવમાં ૨૬ નિર્દોષ નાગરિકોની પાક. પ્રેરિત ત્રાસવાદીએ હત્યા કરી પછી ભારતે હાથ ધરેલાં ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનનાં કબ્જા નીચેની પાંચ ત્રાસવાદી છાવણીઓ અને પાકિસ્તાનનાં પંજાબમાં રહેલી ચાર ત્રાસવાદી છાવણીઓ તોડી નાખી હતી જેમાં ભાગલપુર સ્થિત જેશ એ મોહમ્મદનાં મુખ્ય મથક તથા મુરીદકે સ્થિત લશ્કર એ તૈયબાના મુખ્ય મથકનો પણ નાશ કરાયો હતો.પાકિસ્તાનની એરડીફેન્સ સીસ્ટમ પણ તોડી પાડી હતી.

સ્વાતંત્ર્ય પછી બંને દેશો વચ્ચે ચાર યુદ્ધ થયાં છે પહેલું ૧૯૪૭માં આઝાદી પછી તુર્ત જ જમ્મુ અને કાશ્મીર અંગે યુદ્ધ થયું, પછી યુદ્ધ વિરામ થયો પરંતુ પાકિસ્તાને કેટલોક ભાગ દબાવી રાખ્યો છે. ૧૯૬૫માં પણ કાશ્મીર અંગે યુદ્ધ થયું તેમાં પાકિસ્તાનનો પરાજય થયો સોવિયેત સંઘે યુદ્ધ વિરામ કરાવ્યો. ૧૯૭૧માં બાંગ્લાદેશ યુદ્ધ થયું તેમાં પૂર્વ પાકિસ્તાન આઝાદ થઇ બાંગ્લાદેશ રચાયો. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના દિને ૯૩ હજાર પાક. સૈનિકોએ શરણાગતિ સ્વીકારી. ૧૯૯૯માં કારગીલ યુદ્ધ થયું તેમાં પણ પાકિસ્તાને માર ખાતાં તેનાં દળોને પાછાં હઠી જવું પડયું હતું.