Get The App

માનવી જેવી ત્વચા બનાવવામાં મળી સફળતા, ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ લેબમાં કરી તૈયાર

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
માનવી જેવી ત્વચા બનાવવામાં મળી સફળતા, ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ લેબમાં કરી તૈયાર 1 - image


Scientists in Australia created artificial skin in the lab :  ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌ પ્રથમ રક્ત પુરવઠો ધરાવતી સંપૂર્ણ વિક્સિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર પરિણામો મેળવી શકાશે. સ્ટેમ સેલ દ્વારા ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકાની ટીમ દ્વારા સર્જવામાં આવેલી આ માનવ ત્વચાની પ્રતિકૃતિ એકદમ અસલી ચામડીની જેમ જ રક્તવાહિનીઓ, વાળ, નસો અને રોગપ્રતિકારક કોષો ધરાવે છે.

યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડની ફ્રેઝર ઇન્સ્ટિટયુટના ટિશ્યુ એન્જિનિયરિંગ એન્ડ રિજનરેટિવ મેડિસિન વિજ્ઞાની અને મુખ્ય સંશોધક અબ્બાસ સૈફીએ જણાવ્યું હતું કે આ અસલી માનવ ત્વચાનુ મોડેલ રોગોનો અભ્યાસ અને તેની  સારવારનું  વધારે ચોકસાઇપૂર્વક પરીક્ષણ કરવામાં ઉપયોગી થઇ પડશે. અત્યાર સુધી વિજ્ઞાનીઓ માનવત્વચાના રોગોનો અભ્યાસ કરવામાં અને તેને માટે નવી સારવારો વિકસાવવા પૂરતાં મર્યાદિત કામો કરતા હતા. પણ હવે આ અસલી માનવ ત્વચાના મોડેલદ્વારા અમે રોગોનો વધારે બારીકાઇથી અભ્યાસ કરી શકીશું અને સારવારની અસરકારકતાનું પરીક્ષણ કરી શકીશું. નવી સારવાર પણ વિકસાવવામાં તે અમને ઉપયોગી બની રહેશે. 

વિલી એડવાન્સ્ડ હેલ્થકેર મટિરિયલ્સ નામના પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલાં આ અભ્યાસમાં જણાવ્યા અનુસાર આ કૃત્રિમ ત્વચા વિક્સાવવામાં છ વર્ષનો સમય લાગ્યો છે. અબ્બાસ સૈફીએ આ માનવત્વચા વિકસાવવાની રીત વિશે જણાવ્યું હતું કે સ્ટેમ સેલ્સ ક્ષેત્રમાં તાજેતરમાં થયેલી પ્રગતિને કારણે અમે ત્રિપરિમાણીય સ્કિન લેબ મોડેલ એન્જિનિયર કરી શક્યા છીએ. ટીમે માનવ ત્વચાના કોષ લઇ તેને સ્ટેમ સેલ્સ તરીકે રિપ્રોગ્રામ કર્યા હતા. આ નવા કોષમાંથી  માનવશરીરના કોઇપણ હિસ્સાની ત્વચા બનાવી શકાય છે.

આ સ્ટેમ સેલ્સને પેટ્રી ડિશમાં મુકી તેને વિકસાવવામાં આવતાં તેમાંથી ત્વચાનું મીની વર્ઝન સર્જાયું હતું. જેને સ્કિન ઓર્ગનોઇડ કહેવામાં આવે છે. એ પછી અમે એ જ સ્ટેમ સેલ લઇ નાની રક્તકોશિકાઓ વિકસાવી હતી. જેને અમે આ વૃદ્ધિ પામતી ત્વચામાં જોડી દીધી હતી. જેને પરિણામે કુદરતી માનવત્વચાની જેમ જ તેમાં પણ પડ, વાળ, વર્ણ, નસો અને સૌથી મહત્વની બાબત તેનો આગવો રક્ત પુરવઠો પુરો પાડવાની વ્યવસ્થા પણ વિક્સાવી શકાઇ છે. 

આ સંશોધનના સહભાગી  પ્રોફેસર કિયારાશ ખુશરોતેહરાનીએ જણાવ્યું હતું કે આ સ્કિન મોડેલ જનિનિક રોગો જેમ કે સોરિયાસિસ અને એન્ટોપિક ડર્માઇટિટિસ અને સ્કેલેરોડર્માની સારવાર કરવામાં તથા ત્વચારોપણની પ્રક્રિયામાં ઉપયોગી થઇ પડશે. ચામડીના આ રોગોની સારવાર કરવાનું મુશ્કેલ હોય છે પણ આ નવી સિદ્ધિને કારણે આ હઠીલાં ચામડીના રોગોના દર્દીઓની સારવાર બહેતર બનવાની આશા જાગી છે. 

Tags :