સમગ્ર દુનિયાનો નાશ કરી શકે તેટલો 'મોતનો સામાન' ઉત્તર કોરિયા પાસે છે
- ઉ. કોરિયા પાસે 90 ટકા શુધ્ધ યુરેનિયમનો 2000 કિ.ગ્રામ જેટલો જથ્થો છે તેમાંથી પ્લુટોનિયમ બનાવી શકાય : 5 થી 6 કિ.ગ્રા. પ્લુટોનિયમ એક બોમ્બ માટે પુરતું છે
શીઉલ (દ. કોરિયા) : ઉ. કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ ઉન પાસે ૨૦૦૦ કિ.ગ્રા. થી વધુ મોતનો સામાન છે. આ માહિતી આપતા, દ. કોરિયાના એકીકરણ (યુનિફિકેશન) મંત્રીએ ગુરુવાર ૨૫ સપ્ટેમ્બરે કહ્યા પ્રમાણે ઉ.કોરિયા માટે ૨ ટનથી પણ વધુ એનરિસ્ડ - શુદ્ધ યુરેનિયમ છે. જે ૯૦ ટકા વિશુદ્ધી ધરાવે છે. એટમ બોંબ બનાવવા માટે તેની જરૂર છે. તેમાંથી પ્લુટોનિયમ બનાવી શકાય છે.
ઘણા સમયથી દક્ષિણ કોરિયાને માહિતી હતી જ કે ઉ. કોરિયા સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો એકત્રિત કરી રહ્યું છે. પરંતુ હવે તે વિષે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ છે, તેમ કહેતાં દ. કોરિયાના એકીકરણ મંત્રી ચંગ ડોંગ યંગે પત્રકારોને કહ્યું હતું કે, જાસૂસી એજન્સીઓનું અનુમાન છે કે ઉત્તર કોરિયાનો પરમાણુ વિકાસ કાર્યક્રમ રોકવો અત્યંત જરૂરી છે. તેની ઉપર માત્ર પ્રતિબંધો લગાડવાથી કશું વળે તેમ નથી. તેનો એક માત્ર વિકલ્પ, ઉ. કોરિયા અને અમેરિકા વચ્ચેની શિખર મંત્રણા જ છે.
બીજી તરફ કીમ જોંગ ઉને આ સપ્તાહના પ્રારંભે જ કહ્યું હતું કે, હું અમેરિકા સાથે મંત્રણા કરવા તૈયાર છું, પરંતુ અમે અમારા પરમાણુ શસ્ત્રોને રાખીશું જ.
દ. કોરિયાને મળેલી જાસૂસી માહિતી પ્રમાણે ઉ. કોરિયા પાસે ૯૦ ટકા શુદ્ધ તેમાં ૨૦૦૦ કિ.ગ્રા. થી વધુ યુરેનિયમનો જથ્થો છે. જેમાંથી તે પ્લુટોનિયમ બનાવી શકે તેમ છે. તે રીતે ગણતરી માંડીએ તો, ઉ. કોરિયા ઓછામાં ઓછા ૩૩૩ એટમ બોંબ બનાવી શકે તેમ છે. તેની પાસે ૧૨,૫૦૦ કિ.મી. દૂર સુધી જઈ શકે તેવા અને એટમિક વોર હેડ ધરાવે તેવા ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ (આઇસીબીએમ્સ) છે. જે પ્યોનાંગમાં જ બેઠા બેઠા અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી શકે તેમ છે. તેથી અમેરિકાના બોસ્ટન, ન્યૂયોર્ક, બાલ્ટીમોર, પાટનગર વોશિંગ્ટન (ડીસી), જેક્સન વિલે એન વાય સુધી વિનાશ વેરી શકે તેમ છે.
સૌથી વધુ ચિંતા તો તે છે કે, કિમ જોંગ ઉન અસામાન્ય ધૂની છે. તે ક્યારે શું કરશે તે કરતાં શું નહીં કરે તેની ચિંતા અમેરિકાને કોરી ખાય છે.