Get The App

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
Nobel Peace Prize 2025

Nobel Peace Prize 2025: આજે નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત થઈ. વેનેઝુએલાના વિપક્ષના નેતા મારિયા કોરિના મચાડોને શાંતિનો નોબેલ એનાયત કરાયો. અમેરિકાના પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આ પુરસ્કાર માટે તલપાપડ થઈ રહ્યા છે. પાકિસ્તાન અને ઇઝરાયલ જેવા દેશોએ ખૂલીને કહ્યું હતું કે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર આપવો જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ આ પુરસ્કાર માંગી રહ્યા હતા. જોકે નોબેલ સમિતિએ ટ્રમ્પની આશા પર પાણી ફેરવ્યું. જે બાદ ઇઝરાયલ અને રશિયાએ મોટું નિવેદન આપ્યું છે. 

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું 2 - image

ઇઝરાયલ અને રશિયાની નિરાશા 

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં રશિયા અને ઇઝરાયલે પણ નિરાશા વ્યક્ત કરી છે. એક તરફ જ્યાં રશિયાના પુતિને કહ્યું છે કે ટ્રમ્પ શાંતિ માટે ઘણા કામ કરી રહ્યા છે, જેમાં મિડલ ઈસ્ટમાં સીઝફાયર પ્રમુખ છે. જોકે પુતિને એમ પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રમ્પ નોબેલના હકદાર છે કે નહીં તે નક્કી કરવાનું કામ મારું નથી. પુતિને કહ્યું કે જો ગાઝામાં શાંતિ પ્રયાસો સફળ થાય તો તે ખરેખર મોટી ઉપલબ્ધિ કહેવાય. 

બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું છે કે નોબેલ સમિતિ શાંતિની માત્ર વાતો જ કરે છે, જ્યારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ખરેખર શાંતિ સ્થાપના કરી બતાવે છે. તથ્યો પરથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ આ પુરસ્કારના હકદાર છે. 

ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું 3 - image

વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને લોકશાહી કાર્યકર્તા મારિયા કોરિના મચાડો 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બન્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. નોર્વેજિયન નોબેલ સમિતિએ તેમના કાર્યને અસાધારણ ગણાવીને તેમને સત્તાવાદી શાસન વિરુદ્ધ અહિંસક પ્રતિકારના પ્રતીક માન્યા છે. આ વિજય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અન્ય ઉમેદવારોને પાછળ છોડીને મળ્યો છે, જે વેનેઝુએલાના લોકશાહી આંદોલનને વૈશ્વિક સ્તરે મજબૂતી આપે છે. મારિયાને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જીવન સ્વતંત્રતા અને ન્યાયની લડતનું જીવંત પ્રતિબિંબ છે.

કોણ છે મારિયા કોરિના મચાડો

મારિયા કોરિના મચાડોનો જન્મ 7 ઑક્ટોબર, 1967ના રોજ વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં થયો હતો. તેઓ ચાર બહેનોમાં સૌથી મોટા છે. તેમના પિતા હેનરિક મચાડો ઝુલોગા એક સફળ વ્યવસાયી હતા, જ્યારે માતા કોરિના પારિસ્કા મનોવિજ્ઞાની તરીકે કાર્યરત હતા. મારિયાનું બાળપણ શિક્ષણ અને સામાજિક મૂલ્યો પર આધારિત કુટુંબમાં વીત્યું હતું, જેને લીધે નાની ઉંમરથી જ અસમાનતા અને સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ તેમનામાં વિકસી હતી. કારાકાસના શહેરી વાતાવરણમાં ઉછરીને તેમણે પરિવારના પ્રભાવથી મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસાવ્યું, જે પાછળથી તેમના રાજકીય અને સામાજિક કાર્યોમાં પ્રતિબિંબિત થયું.

રાજકીય પ્રવેશ અને નેતૃત્વ: વિરોધનો મજબૂત સ્તંભ

મારિયા કોરિનાના સામાજિક કાર્યોએ તેમને રાજકારણ તરફ દોર્યાં. 2012માં તેમણે વેન્ટે વેનેઝુએલા પાર્ટીની સ્થાપના કરી, જે સ્વતંત્રતા અને લિબરલ વિચારધારા પર આધારિત છે. તેઓ તેના રાષ્ટ્રીય સંયોજક તરીકે કાર્યરત છે. 2011થી 2014 સુધી તેમણે વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી, જ્યાં તેમણે ભ્રષ્ટાચાર અને અનિયંત્રિતતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. તેઓ વારંવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે આગળ આવ્યા છે. તેમણે વિપક્ષમાં વિભાજનને દૂર કરીને એકતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ધમકીઓ અને અવરોધો છતાં લોકશાહી માટે સંઘર્ષ જારી રાખ્યો 

મારિયા કોરિનાનો સંઘર્ષ દાયકાઓથી ચાલુ છે. તેમણે હ્યુગો ચાવેઝ અને નિકોલાસ માદુરોના શાસન હેઠળ ધમકીઓ, ધરપકડ અને રાજકીય નિષેધનો સામનો કર્યો છે. તેમણે ન્યાયિક સ્વતંત્રતા, માનવ અધિકારો અને લોકપ્રિય પ્રતિનિધિત્વની હિમાયત કરી છે. તેમણે 2023માં વિરોધ પક્ષના પ્રાઇમરીમાં જીત મેળવી હતી, પરંતુ તેમને 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાગ લેવાથી રોકી દેવાયા હતા. માદુરો સરકારે તેમને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે, તેમ છતાં તેઓ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ કરીને આંતરરાષ્ટ્રીય જાગૃતિ ફેલાવે છે. તેમના કાર્યને કારણે તેઓ આર્થિક પતન અને સામાજિક અશાંતિનો સામનો કરતાં વેનેઝુએલાના લોકો માટે આશાનું પ્રતીક બન્યા છે.