Get The App

અમેરિકાનો કોઈ પણ પ્રતિનિધિ જી-20 પરિષદમાં હાજર નહીં રહે : ટ્રમ્પ

Updated: Nov 9th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાનો કોઈ પણ પ્રતિનિધિ જી-20 પરિષદમાં હાજર નહીં રહે : ટ્રમ્પ 1 - image


દ.આફ્રિકા સ્થિત ગોરા ખેડૂતો અમેરિકા પહોંચ્યા

દ.આફ્રિકામાં શ્વેત ખેડૂતો પર કરાતા અત્યાચારથી ટ્રમ્પ ભડક્યા શ્વેતો પ્રત્યે ભેદભાવ રખાતો નથી : દ.આફ્રિકાના પ્રમુખનો બચાવ

વોશિંગ્ટન: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે (શુક્રવારે) કહ્યું હતું કે, દક્ષિણ આફ્રિકામાં શ્વેતવર્ણી ખેડૂતો પ્રત્યે કરાતા ગેરવર્તાવને લીધે અમેરિકાનો એક પણ પ્રતિનિધિ ત્યાં યોજાનારી જી-૨૦ પરિષદમાં ઉપસ્થિત નહીં રહે. આ પૂર્વે ટ્રમ્પે તો જાહેર કરી જ દીધું હતું કે, દક્ષિણ આફ્રિકામાં યોજાનારી દુનિયાની ૨૦ આર્થિક સત્તાઓની પરિષદમાં પોતે હાજર નહીં રહે.

આ પછી એક તબક્કે એવી વાત બહાર આવી હતી કે, પ્રમુખ ટ્રમ્પનાં સ્થાને ઉપપ્રમુખ જે.ડી. વાન્સ તે પરિષદમાં હાજરી આપશે. પરંતુ વાન્સે પોતે જ તે વાતને રદીયો આપતાં કહ્યું હતું કે, 'હું પણ તે પરિષદમાં હાજર રહેવાનો નથી.'

આ પૂર્વે ટ્રમ્પ વહીવટીતંત્રે દક્ષિણ આફ્રિકામાં સરકાર દ્વારા ત્યાં રહેલી શ્વેતવર્ણી લઘુમતિ પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રખાતું હોવાનો આક્ષેપ કર્યો હતો અને ત્યાં રહેલા શ્વેતવર્ણી ખેડૂતોને હેરાન કરાતા હોવાનું પણ કહ્યું હતું, સાથે જણાવ્યું હતું કે તે જી-૨૦ પરિષદમાં અમેરિકાનો એક પણ અધિકારી હાજર નહીં રહે.

તા. ૧૫-૧૬-૧૭ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાનારી જી-૨૦ પરિષદમાં સૌથી વધુ મહત્વ પર્યાવરણ અને ઋતુ પરિવર્તન તથા રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય-પૂર્વ અને દૂર પૂર્વમાં ચાયના-તાઇવાન તંગદિલી તથા વૈશ્વિક ખાદ્યાન્ન સંકટ વિષે ચર્ચા થવાની છે. પરંતુ તેમાં અમેરિકાનો એક પણ પ્રતિનિધિ ઉપસ્થિત નહીં હોય.

તાજેતરમાં જ દ.આફ્રિકા છોડી ૭૫૦૦ લોકો અમેરિકામાં આશ્રય લેવા પહોંચ્યા હતા. 

જે પૈકી બહુ મોટા પ્રમાણમાં તો ત્યાંના શ્વેતવર્ણીઓ જ હતા.

આ પૂર્વે પણ જાન્યુઆરીના પ્રારંભે દ.આફ્રિકામાં યોજાયેલી જી-૨૦ના વિદેશ મંત્રીઓની બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો કે વિદેશ મંત્રાલયનો એક પણ અધિકારી હાજર રહ્યો ન હતો.

Tags :