અમેરિકાનું પ્રભુત્વ ઘટ્યું તે સ્વીકારો, ટેરિફથી ઈતિહાસ નહીં બદલાય: રશિયાનો ટ્રમ્પને જવાબ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia On Trump's Tariff Policy: રશિયામાંથી ક્રૂડ ખરીદવા માટે અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હોવા છતાં ભારતે પોતાનું અડગ વલણ જાળવી રાખતાં ટ્રમ્પ રોષે ભરાયા છે. જેથી હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફનો દર વધારવાની ચીમકી આપી છે. ટ્રમ્પના આ વલણની રશિયન સરકારે પણ ટીકા કરી છે.
રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ અમેરિકા દ્વારા રશિયાના સહયોગી દેશો પર લાદવામાં આવેલા ટેરિફ અને પ્રતિબંધોની આકરી ટીકા કરી છે. તેમણે ટ્રમ્પના આ પગલાંને નિઓ-કોલોનિલિસ્ટ અર્થાત મહાસત્તા દ્વારા અન્ય દેશો પર પરોક્ષ રીતે અંકુશ લાદનારૂ વલણ જાહેર કર્યું છે. રાજનીતિના કારણે આર્થિક દબાણ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
અમેરિકા પોતાના ઘટતા વર્ચસ્વને સ્વીકારી રહ્યું નથી
મારિયા જાખારોવાએ પૂછ્યું કે, અમેરિકાએ વૈશ્વિક દક્ષિણના રશિયાના સહયોગી દેશો પર ટેરિફ વધાર્યો છે. અમેરિકાની આ નીતિને તમે કેવી રીતે જુઓ છો? જેનો જવાબ આપતાં મારિયાએ કહ્યું કે, દુર્ભાગ્યવશથી પ્રતિબંધ તે આજના સમયની નરવી વાસ્તવિકતા છે. જેની અસર વિશ્વના તમામ દેશો પર થઈ છે. અમેરિકા પોતાના ઘટી રહેલા વર્ચસ્વનો સ્વીકાર કરી શકતો નથી. તે વિશ્વમાં બહુપક્ષીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા તરીકે ઉભરી આવી છે. તેમ છતાં અમેરિકા નિઓ-કોલોનિલિસ્ટ એજન્ડા ચલાવી રહ્યુ છે. રાજકારણથી પ્રેરિત તે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર નિર્ણયો લઈ રહેલા દેશો પર આર્થિક દબાણ કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ બ્રાઝિલમાં પૂર્વ રાષ્ટ્રપતિ બોલસોનારો હાઉસ અરેસ્ટ, સત્તાપલટાનું ષડ્યંત્ર રચવાનો આરોપ
વૈશ્વિક વિકાસ મંદ થવાનુ જોખમ
મારિયાએ આગળ જણાવ્યું હતું કે, આ પગલું મુક્ત વેપારના એવા સિદ્ધાંતોની વિરૂદ્ધ છે, જેની ભલામણ પશ્ચિમી દેશ જ કરી રહ્યા હતાં. હવે સંરક્ષણવાદને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અને મનસ્વી વલણથી ટેરિફ અને પ્રતિબંધો મૂકાઈ રહ્યા છે. લેટિન અમેરિકામાં અમારા વ્યૂહાત્મક પાર્ટનર બ્રાઝિલ પણ આ નીતિનો ભોગ બન્યો છે. અમેરિકાની આ કાર્યવાહી બીજા દેશોની આંતરિક બાબતોમાં દખલગીરીનો પ્રયાસ છે. જેના લીધે વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાનું, અને સપ્લાય ચેઈનમાં અવરોધનું જોખમ ઉભુ થયું છે.
ઈતિહાસને બદલી શકાય નહીં
રશિયાએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે, કોઈપણ ટેરિફ યુદ્ધ કે પ્રતિબંધના ઈતિહાસને બદલી શકશે નહીં. અમે અમારા સહયોગીઓ, સમાન વિચારધારા ધરાવતા દેશો અને ખાસ કરીને દક્ષિણી દેશોને સમર્થન આપીએ છીએ. અને અમે બ્રિક્સનું પણ સમર્થન કરીએ છીએ. અમે અમારા સહયોગી દેશો સાથે સહયોગ વધારવા માટે સજ્જ છીએ. જેથી બહુપક્ષીય, સમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવામાં મદદ મળી શકે.








