- અમેરિકાના સૌથી મોટા ડેલિગેશન સાથે ટ્રમ્પ દાવોસ રવાના
- 130 દેશોના ત્રણ હજાર પ્રતિનિધિ, કંપનીઓના 850 સીઇઓની દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક
દાવોસ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ચીને વળતો જવાબ આપ્યો છે. ચીને કહ્યું છે કે ટ્રેડ અને ટેરિફ વોરમાં કોઇની પણ જીત થતી નથી. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોર્મની વાર્ષીક બેઠકમાં સામેલ ચીનના ઉપપ્રમુખ હી લિફેન્ગે કહ્યું હતું કે ચીન સમગ્ર વિશ્વ માટે પોતાના દરવાજા ખોલશે.
ચીનના ઉપપ્રમુખે વધુમાં કહ્યું હતું કે વર્ષ ૨૦૨૬માં ચીનનો મુખ્ય એજન્ડા સ્થાનિક માગ પુરી કરવાનો છે, સાથે જ ઉત્પાદન ક્ષમતા પણ વધારવામાં આવશે. વૈશ્વિક અર્થતંત્રમાં એકબીજા સાથે સહયોગ બહુ જ જરૂરી છે. ટ્રેડ અને ટેરિફના વોરમાં કોઇની જીત નથી થતી. આ બેઠકમાં ભાગ લેવા માટે મંગળવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકાથી દાવોસ જવા માટે રવાના થઇ ગયા હતા. ટ્રમ્પ અમેરિકાના સૌથી મોટા ડેલિગેશન સાથે દાવોસ પહોંચવાના છે.
દાવોસમાં ૧૩૦ દેશોના ત્રણ હજારથી વધુ પ્રતિનિધિઓ સામેલ થવાના છે, જેમાં વિશ્વની ટોચની કંપનીઓના ૮૫૦ જેટલા સીઇઓ પણ જોડાશે. અમેરિકાના પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની આ ત્રીજી દાવોસ મુલાકાત છે. દાવોસમાં શરૂ થયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં યુરોપ સહિતના પ્રાંતના અનેક દેશો ભાગ લઇ રહ્યા છે. એવામાં ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા અને યુરોપના દેશો વચ્ચેનો વિવાદ પણ આ બેઠકમાં જોવા મળી રહ્યો છે. ટ્રમ્પ બુધવારે દાવોસમાં પોતાનું સંબોધન કરી શકે છે જેમાં ગ્રીનલેન્ડને હડપી લેવાના પોતાના દાવાનું તેઓ પુનરાવર્તન કરે તેવી શક્યતા છે.


