World

સરહદ પરથી લાઉડ સ્પીકર્સ નહીં હઠે, અમેરિકા સાથે મંત્રણા નહીં : ઉ. કોરિયા

By GS TEAM
14 Aug 20252 mins read
સરહદ પરથી લાઉડ સ્પીકર્સ નહીં હઠે, અમેરિકા સાથે મંત્રણા નહીં : ઉ. કોરિયા

- ઉ. કોરિયાના સરમુખત્યારના બહેન કીમ-યો-જોંગે કહ્યું : યુ.એસ. દ. કોરિયા સંયુકત લશ્કરી કવાયતથી અમને ડરાવવાની 'રમત' સફળ નહીં થાય

પ્યોગ્યાંગ: ઉત્તર કોરિયાએ સરહદ ઉપર મુકેલા લાઉડ સ્પીકર્સ સરહદ ઉપરથી હઠાવી લીધા છે તેવા દ. કોરિયાનાં નિવેદનને ફગાવી દેતા ઉ. કોરિયાનાં સર્વેસર્વા, કીમ-જોંગ ઉનનાં બહેન કીમ-યો જોંગે કહ્યું હતું કે, તે દક્ષિણ કોરિયાનું દીવા-સ્વપ્ન માત્ર છે. નહીં લાઉડ સ્પીકર્સ હટશે કે નહીં યુએસ. સાથે મંત્રણા કરાશે. અમે લાઉડ સ્પીકર્સ હઠાવ્યા નથી કે હઠાવવાનાં પણ નથી. ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયામાં કીમ-યો-જોંગ નો જ સિક્કો ચાલે છે.

પૂર્વે દક્ષિણ કોરિયાના સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે, અમે સરહદેથી લાઉડ સ્પીકર્સ હઠતા જોયા છે. જેના જવાબમાં કીમ-યો-જોંગે આ પ્રમાણે કહ્યું હતું. આ સાથે તેમણે દ. કોરિયા અને અમેરિકાએ યોજેલી સંયુક્ત લશ્કરી કવાયત ઉપર પ્રહારો કરતાં કહ્યું હતંસ કે, આ દ્વારા અમોને ડરાવવાના પ્રયત્નો કરાય છે. પરંતુ અમે ડરવાના નથી.

ઉત્તર કોરિયાની રાજ્ય હસ્તકની કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (કેસીએનએ) જણાવ્યા પ્રમાણે કીમ-યો-જોંગે કહ્યું હતું કે, મને ખાતરી છે કે, સીઉલની ડેમોક્રેટિક પીપલ્સ રીપબ્લિક ઓફ કોરિયા (ડીપીઆરકે) પ્રત્યેની દક્ષિણ કોરિયાની નીતિમાં કોઈ ફેરફાર થવાનો જ નથી.

તાજેતરમાં જ દક્ષિણ કોરિયાના પ્રમુખ લી, જે મ્યુંગનાં વહીવટી તંત્રે પ્યોગ્યાંગ સાથે મંત્રણા શરૂ કરવાની ઇચ્છા દર્શાવી હતી. સાથે, બંને દેશોએ સરહદ ઉપરથી સેના દૂર કરવા પણ સૂચન કર્યું હતું. તેવા અહેવાલોને તદ્દન ખોટા જણાવતા કીમ-યો-જોંગે અમેરિકા સાથે પણ કોઈ મંત્રણાની સંભાવના ફગાવી દીધી હતી.