Chinese Religious Law : ચીનમાં ધાર્મિક પ્રવૃત્તિઓને રાષ્ટ્રીય હિતો અને સાંસ્કૃતિક માળખા સાથે સુરેખિત કરવાના હેતુથી પ્રમુખ શી જિનપિંગ દ્વારા 'ધર્મના ચીનીકરણ' (Sinicization of Religion) ની વ્યાપક યોજના આગળ વધારાઈ રહી છે. આ પહેલનો હેતુ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી (CCP)ના સમાજવાદી અને રાષ્ટ્રવાદી એજેન્ડા સાથે ધાર્મિક રીતરિવાજોને સુસંગત બનાવવાનો છે. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે ચીનમાં ધાર્મિક સ્વાતંત્ર્ય એ સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદા અને શરતો પ્રમાણે જ માન્ય ગણાશે.
'ધર્મના ચીનીકરણ'નો હેતુ શું છે?
'ધર્મનું ચીનીકરણ' એ ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા અમલમાં મૂકાયેલી વ્યૂહ રચનાકીય નીતિ છે, જેનું મુખ્ય લક્ષ્ય દેશના તમામ ધાર્મિક સમુદાયો અને તેમની પ્રથાઓને ચીનની રાષ્ટ્રીય ઓળખ સાથે એકરૂપ કરવાનું છે. આ કારણસર દરેક ધર્મે પોતાના વિશિષ્ટ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને ચીનના સમાજવાદી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક પ્રતીકો મુજબ ઢાળવી પડશે.
ચીનીકરણને બહાને મસ્જિદો અને ચર્ચોમાં તોડફોડ ધર્મના ચીનીકરણને અમલી બનાવવા માટેના પગલાં રૂપે દેશભરમાં પરંપરાગત ઇસ્લામિક સ્થાપત્ય શૈલી ધરાવતી મસ્જિદોના મિનારા અને ગુંબજોને તોડી પાડવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં, આ ઈમારતોના બાંધકામ ચીની પેગોડા શૈલીમાં કરવાના આદેશ અપાઈ રહ્યા છે. આ જ પ્રકારનું પરિવર્તન ચર્ચો અને અન્ય ધાર્મિક સ્થળોએ પણ લાદવામાં આવી રહ્યા છે. આમ કરવાનો હેતુ એ છે કે મુસ્લિમ સમુદાય અરબી ઓળખ તથા ખ્રિસ્તી સમુદાય યુરોપિયન ઓળખને બદલે ચીની ઓળખ ધરાવતી ઇમારતોમાં ઈબાદત કરે. ચીન નથી ઈચ્છતું કે એની ધરતી પરની કોઈપણ ધાર્મિક ઈમારતમાં વિદેશી પ્રભાવના પ્રતીકો દેખાય. કોઈપણ ધર્મનું સ્થાનક હોય, એ ચીનની સાંસ્કૃતિક વિરાસતનો ભાગ લાગે, એવું હોવું જોઈએ એવો ચીની સરકારનો આગ્રહ છે. આ કામમાં કોઈ અડચણ ન આવે એ માટે ધાર્મિક સંસ્થાઓ અને તેના વરિષ્ઠ નેતાઓ પર સરકારી દેખરેખ અને નિયંત્રણમાં પણ નોંધપાત્ર વધારો કરી દેવાયો છે.
શિનજિયાંગના ઉઇઘુર મુસ્લિમો અને તિબેટના બૌદ્ધ પર નજર
આ નીતિની સૌથી વધારે અસર ઉઇઘુર મુસ્લિમો અને તિબેટિયન બૌદ્ધો જેવા લઘુમતી સમુદાયો પર જોવા મળી રહી છે. આ મુદ્દે શિનજિયાંગ પ્રદેશમાં ઉઇઘુર સમુદાય પર વ્યાપક પગલાં ભરાયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અને માનવાધિકાર સંસ્થાઓ દ્વારા 'પુનઃશિક્ષણ શિબિરો' જેવા સુંવાળા નામે વર્ણવાતી ‘સુવિધાઓ’માં હજારો ઉઇઘુરો અને અન્ય મુસ્લિમને રખાયા છે, જ્યાં તેમને ચીની ભાષા, ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની વિચારધારા અને રાષ્ટ્રીય મૂલ્યોનું શિક્ષણ અપાય છે. રોઝા, નમાજ અને ઇસ્લામિક સ્ટાઇલના પરંપરાગત વસ્ત્રો જેવી ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રથાઓ પર ચીનમાં પ્રતિબંધ મૂકાયો છે. એ જ રીતે, તિબેટમાં બૌદ્ધ ધર્મ પર સખત નિયંત્રણો છે. ધાર્મિક નેતાઓની નિમણૂકમાં સરકારની દખલગીરી, મઠો પર નજર રાખવી અને દલાઈ લામા જેવા નેતાઓની ભૂમિકાને નબળી પાડવાના પ્રયાસો થાય છે. ચીન સરકાર 'દેશભક્તિ શિક્ષણ'ના નામ હેઠળ બૌદ્ધ ધર્મને સામ્યવાદી સિદ્ધાંતો સાથે જોડવાનો પ્રયત્ન કરે છે.
રાષ્ટ્રહિતને નામે ધાર્મિક ઓળખ ભૂંસી નાંખવાનો હેતુ
જિનપિંગનો દાવો છે કે ધર્મનું ચીનીકરણ એ સામાજિક સંવાદિતા, વંશીય એકતા અને રાષ્ટ્રીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની એક આવશ્યક પ્રક્રિયા છે. તેમનો મત છે કે ચીનમાં કોઈપણ ધર્મનો સ્વસ્થ વિકાસ ત્યારે જ શક્ય બનશે જ્યારે તે ચીની સંસ્કૃતિમાં મૂળ ધરાવતો હશે. જોકે, આ નીતિને આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારના ગંભીર ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. એનો વિરોધ પણ ઘણો થઈ રહ્યો છે, કેમ કે એનો હેતુ લઘુમતી સમુદાયોની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને વ્યવસ્થિત રીતે નિષ્ક્રિય કરવાનો જણાય છે.


