નેતન્યાહૂ ઝનૂને ભરાયા છે : કામ-તમામ કર્યા સિવાય અમારી પાસે અન્ય વિકલ્પ નથી

- અમેરિકા-ઈઝરાયેલને પૂરૂં પીઠબળ આપે છે
- વિદેશોમાં અને દેશમાં પણ ઈઝરાયેલનાં વિનાશક પગલાંની ટીકા થઈ રહી હોવા છતાં સંપૂર્ણ ગાઝા પટ્ટી સાફ કરવા ફરી નેતન્યાહૂનો હુંકાર
તેલ-અવીવ : ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હવે ઝનૂને ભરાયા છે. ૨૨ મહિનાથી ગાઝાપટ્ટી અને વેસ્ટ-બેન્કમાં ચાલી રહેલા આ સંહારક યુદ્ધનો અંત લાવવા તેઓ ગાઝા શહેર જ નહીં પરંતુ સમગ્ર ગાઝાપટ્ટીમાંથી હમાસના નામે તમામ પેલેસ્ટાઇનીઓને દૂર કરવા કામ તમામ કરવા સુધી પહોંચી જવા માગે છે. અને કહે છે કે તે સિવાય અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી. નેતન્યાહૂના આ હુંકાર પાછળ સર્વ-સમર્થ અમેરિકાનું પીઠબળ છે. તે દુનિયા આખી જાણે છે, તેમાં કશું નવું નથી. દુનિયા તે પણ જાણે છે કે ઈઝરાયલને બોંબમારો નહીં કરવા અને શાંતિ રાખવા અમેરિકા માત્ર દેખાવ ખાતર જ કહી રહ્યું છે. વાત સ્પષ્ટ છે. સમગ્ર ગાઝાપટ્ટી હમાસને દૂર કરવાને નામે પેલેસ્ટાઇનીઓ (આરબો)થી મુક્ત કરવા કટિબદ્ધ થયા છે.
ગાઝાપટ્ટીમાં અત્યારે આશરે પાંચ લાખથી વધુ લોકો જુદી જુદી રાહત છાવણીઓમાં આશ્રય લઈ રહ્યા છે. ત્યારે નેતન્યાહૂ કહે છે કે, અમે ગાઝાપટ્ટીમાં સલામત વિસ્તારો રચવા માગીએ છીએ. તેમ નામે ઈઝરાયલી સંરક્ષણદળોએ હુમલા ચાલુ રાખ્યા છે. તેમાં અલ-શિફા નામક હોસ્પિટલની પાસે રહેલા એક ટેન્ટ ઉપર ઈઝરાયલી લશ્કરે હુમલો કરતાં પાંચ સહિત અલ-ઝઝીરાના પત્રકારનું મૃત્યુ થયું હતું. તે સામે બચાવ કરતાં ઈઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે, માર્યા ગયેલા તે પત્રકાર વાસ્તવમાં હમાસનો એક આતંકી હતો અને તે પત્રકારના નામે ઘૂસી ગયો હતો.
ટૂંકમાં કોઈપણ ભોગે ઈઝરાયલ માત્ર ગાઝા શહેર જ નહીં સમગ્ર ગાઝાપટ્ટી ઉપર કબજો જમાવવા માગે છે. તે હવે ત્યાં હમાસના કબજામાં હજી સુધી રહેલા ૧૯ જેટલા બંધકોની જાનની પણ પરવા કરવા માગતું નથી. હમાસ આતંકીઓએ એવી ધમકી આપી હતી કે, જો અમારી ઉપર ફરી હુમલો કરશો તો તે બધાને મારી નાખીશું. પરંતુ નેતન્યાહૂને તે ધમકીની પડી નથી. અમેરિકા પણ પેલેસ્ટાઇનીઓથી મુક્ત તેવી ગાઝાપટ્ટીમાં માને છે. જેથી તેના ભૂમિદળ હવાઈ દળ અને નૌકાદળના મથકો સ્થાપવા માંગે છે.









